Smart Farming in Gujarat: મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના શિહી ગામના યુવાન ખેડૂત મનોજભાઈ પ્રવીણભાઈ પટેલ આજે આધુનિક અને ટેકનોલોજી આધારિત ખેતીનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. માત્ર 38 વર્ષની ઉમરમાં ITI સુધીનો અભ્યાસ અને માર્કેટિંગ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવતા મનોજભાઈએ વર્ષ 2016થી ખેતીને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી છે.
વર્ષ 2009માં પિતાના અવસાન બાદ ખેતી સંભાળતી વખતે તેમના કૂવામાં માત્ર 10 મિનિટ જેટલું જ પાણી હતું. સ્થિતિ એટલી ખરાબ હતી કે લોકો ત્યાં કચરો નાખતા હતા. મનોજભાઈએ સૌપ્રથમ કૂવાની સફાઈ કરાવી અને મર્યાદિત પાણીથી ખેતી શરૂ કરી. દિવસમાં ત્રણ વખત માત્ર આઠ-આઠ મિનિટની સિંચાઈથી તેમણે સંઘર્ષ શરૂ કર્યો.
વર્ષ 2016માં તેમણે ડ્રિપ ઈરિગેશન પદ્ધતિ અપનાવી અને સરકારની સહાય સાથે આશરે ₹75 હજારનું રોકાણ કર્યું. સાથે કૂવામાં ટાઈમર સિસ્ટમ લગાવી, જે તેમની ખેતી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
આજે મનોજભાઈ પાસે સાત વીઘા જમીનમાં સંપૂર્ણ ડ્રિપ સિસ્ટમ છે. ખેતીની સૌથી વિશેષ બાબત છે કૂવો અને બોર પર લગાવેલી GSM આધારિત ટેકનોલોજી. વર્ષ 2017માં YouTube પરથી પ્રેરણા લઈને માત્ર ₹7,000ના ખર્ચે GSM યુનિટ ફિટ કરાવી. દર મહિને આશરે ₹80ના રિચાર્જથી તેઓ મોબાઈલ દ્વારા ગમે ત્યાંથી બોર ચાલુ-બંધ કરી શકે છે.
બોર કેટલો સમય ચાલે છે, વોલ્ટેજની સ્થિતિ કે કોઈ ખામી – તમામ માહિતી મોબાઈલ પર તરત મળી જાય છે. પરિણામે સર્કિટ બળવાની સમસ્યા બંધ થઈ અને માણસ રાખવાનો ખર્ચ પણ બચ્યો. આજે મનોજભાઈ ત્રણ ટ્યુબવેલમાં GSM સિસ્ટમનો ઉપયોગ કરે છે.
અટલ ભુજલ યોજનાના કારણે આસપાસના તળાવોથી ભૂગર્ભ જળસ્તર વધ્યું છે. જે કૂવામાં ક્યારેક 10 મિનિટનું જ પાણી હતું, ત્યાં આજે 8 કલાક સુધી પાણી ઉપલબ્ધ છે. મનોજભાઈ હવે પોતાની ખેતી ઉપરાંત નિયમિત રીતે ગામના 30થી 35 ખેડૂતોને પણ પાણી પૂરું પાડી રહ્યા છે.
દસ મિનિટના પાણીથી શરૂ થયેલી આ સફર આજે સમગ્ર ગામ માટે આશીર્વાદ બની છે. મનોજભાઈ પટેલની કહાની સાબિત કરે છે કે આધુનિક ટેકનોલોજી અને સમજદારીથી ખેતીને નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. યુવાન ખેડૂતો માટે તેઓ ખરેખર પ્રેરણાસ્ત્રોત છે.


Leave a Comment