ઝાલાવાડમાં ખાનગી ફાયરીંગના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોને ઝડપી લેવા કડક સુચના આપી છે. જેમાં સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયત 3 રસ્તા, દસાડાના જૈનાબાદ-વીસાવડી રોડ, ખારાઘોઢા-ઓડુ રોડ, જૈનાબાદ પાસેથી ગેરકાયદે હથિયાર સાથે 4 શખ્સો ઝડપાયા હતા.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા સ્ટાફના મુકેશ ઉત્તેળીયા, અજયસીંહ, અશ્વીનભાઈ, મનસુખભાઈ સહિતનાઓ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં એક શખ્સ જિલ્લા પંચાયત 3 રસ્તા પાસેથી ગેરકાયદેસર પીસ્ટલ સાથે નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં રતનપરના સુધારા પ્લોટમાં રહેતો આરીફ ઉર્ફે તોતડો સાઉદ્દીનભાઈ જામ રૂ. 20 હજારની કિંમતની પીસ્ટલ સાથે પકડાયો હતો. આ શખ્સ સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે એલસીબી સ્ટાફના પરીક્ષીતીસીંહ, દશરથભાઈ સહિતનાઓ દસાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે જૈનાબાદથી વીસાવડી જવાના રસ્તે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી જૈનાબાદના યુનીસ મુસ્તુફાભાઈ કુરેશીને રૂ. 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં આ બંદુક તેના સંબંધી જૈનાબાદના અહેમદભાઈ કલાડીયા પાસેથી લાવ્યો હોવાનું તથા હાલ તેઓનું અવસાન થયુ હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે રૂ. 5 હજારનું ગેરકાયદેસર હથિયાર કબજે કરી તેની સામે દસાડા પોલીસ મથકે આર્મસ એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી જે.જે.લેન્ચીયા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત દસાડાના જૈનાબાદ રોડ પરથી યુસુફશા ઉર્ફે શાહરૂખ ઉર્ફે ગાંગુલી ઈમામશા દીવાન રૂ. 5 હજારની કિંમતની દેશી મજર લોડ બંદુક સાથે પકડાયો હતો. જયારે દસાડાના ખારાઘોઢા-ઓડુ રોડ પરથી ઓડુનો કીશન ઉર્ફે કીરો કાળુભાઈ ભુરાણી રૂ. 2 ,500ની કિંમતની દેશી મઝરલોડ બંદુક સાથે ઝડપાયો હતો. આ હથિયાર તેના બાપદાદા વખતનું હોય અને તેના પિતા પાસેથી મળ્યુ હોવાનું તથા હાલ તેના પિતા મરણ પામ્યા હોવાનું તેણે પોલીસને જણાવ્યુ હતુ.
Source link