મોરબી શહેરના ચાર વોર્ડ તેમજ 31 ગામડાઓને જ્યાંથી નર્મદા યોજનાનું કનેક્શન આપવામાં આવ્યું છે તે ગેરકાયદેસર હોવાનું જણાવી આ કનેક્શનને કારણે જામનગર સુધી નર્મદાના પાણી ન પહોંચતા હોવાથી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગના જ જીડબ્લ્યુઆઇએલ વિભાગે મુખ્ય જોડાણ કાપવા તૈયારીઓ કરતા ટંકારા ધારાસભ્ય સહિતના આગેવાનો દોડી ગયા હતા અને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી.
રજૂઆત કરી કામગીરી અટકાવી
મોરબીના પંચાસર રોડ ઉપર જીડબ્લ્યુઆઇએલ એટલે કે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની જામનગર જતી મુખ્ય નર્મદા પાણી પુરવઠા યોજનાની લાઈનમાંથી મોરબી નગરપાલિકા તેમજ મોરબી અને માળીયા તાલુકાના 31 ગામોને પાણી આપવામાં આવી રહ્યું હોવાથી જામનગરના ગામડાઓ સુધી પાણી ન પહોંચતું હોવાનું જણાવી જીડબ્લ્યુઆઇએલ દ્વારા કનેક્શન કટ્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારિયા તેમજ નગરપાલિકાના આગેવાનો અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રીથી લઈ પાણી પુરવઠામંત્રીને રજૂઆત કરી કામગીરી અટકાવી દીધી હતી.
ધારાસભ્ય દુર્લભજી દેથારિયા
ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારિયાએ જણાવ્યું હતું કે,વાલ્વ નંબર 25માંથી મોરબી નગરપાલિકાના ચાર વોર્ડના 25000 નાગરિકો અને 31 ગામના 50 હજાર લોકો સહિત 75 હજાર લોકોને પાણી આપવામાં આવી રહ્યું હોય જીડબ્લ્યુઆઇએલની અચાનક કાર્યવાહીથી આ તમામ વિસ્તારમાં મુશ્કેલી ઉભી થાય તેમ હોવાથી મુખ્યમંત્રી અને પાણી પુરવઠામંત્રીને રજુઆત કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી.આ વાલ્વમાંથી મોરબીના નાની વાવડી, બગથળા, જેપુર, ખીજડીયા વનાળીયા, માધાપરઓજી, તેમજ પીપળીયા ચાર રસ્તા સંપથી અન્ય 18 ગામોને પાણી આપવામાં આવી રહ્યું છે જેથી આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હાલમાં કનેક્શન કટ્ટ કરવાની કામગીરી અટકાવવામાં આવી હતી.
Source link