GUJARAT

Surendranagar: ઝાલાવાડમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી નબળાં ચોમાસાથી ખેડૂતોમાં ચિંતા

  • વર્ષ 2022માં 64 ટકા, 2023માં 68 ટકા વરસાદ, જ્યારે વર્ષ 2024ના ઓગસ્ટમાં તા.20મી સુધીમાં માત્ર 37 % જ મેઘમહેર
  • આ વર્ષે સૌથી ઓછા વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શકયતા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સૌથી ઓછા વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં જાણે મેઘરાજા રીસાયા હોય તેમ સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

રાજયના અન્ય જિલ્લાઓમાં જયારે બારે મેઘ ખાંગા થયા છે ત્યારે ઝાલાવાડમાં અપુરતા વરસાદથી લોકો અને ખાસ કરીને ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. છેલ્લા 3 વર્ષના વરસાદની વાત કરીએ તો તા. 20મી ઓગસ્ટ સુધીમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2022માં 64 ટકા અને 2023માં 68 ટકા વરસાદ આ સમય સુધી વરસી ગયો હતો. જયારે વર્તમાન ચોમાસામાં 30 વર્ષની સરખામણીનો સૌથી ઓછો હજુ માત્ર 36.57 ટકા જ વરસાદ થયો છે. એમ છતાય હજી ખેડૂતો ચોમાસાના પાછોતરા વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. જો સારો વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જવાની પુરીપરી શકયતા સેવાઇ રહી છે.

ઝાલાવાડનો મોટાભાગનો વિસ્તાર ખેતી આધારીત છે. ત્યારે અનેક ખેડૂતો નર્મદા કેનાલના પાણી અને વરસાદ સહારે ખેતી કરી રહયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની નહેર પસાર થતી હોવા છતાં પાણી નહીં પહોંચતુ હોવાથી અનેક વિસ્તારની ખેતી વરસાદ આધારિત છે. ત્યારે ચાલુ વર્ષે પણ સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટાપાયે કપાસ સહિતના વાવેતર કરી નાંખ્યા હતા. પરંતુ જિલ્લામાં હજુ સુધી હળવા અને ભારે ઝાપટા સિવાય સારો વરસાદ થયો નથી. હવામાન વિભાગની વરસાદની આગાહીમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જ દર્શાવાય છે. અને આગાહીને અનુરૂપ જ જિલ્લામાં સામાન્ય વરસાદ પડે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં તા. 20મી ઓગસ્ટ સુધીમાં થયેલ વરસાદની વાત કરીએ તો આ વર્ષે સૌથી નબળુ ચોમાસુ હાલ સુધી સાબીત થઈ રહ્યુ છે. વર્ષ 2022માં તા. 20મી ઓગસ્ટ સુધીમાં સીઝનનો 64 ટકા વરસાદ વરસી ગયો હતો. જયારે વર્ષ 2023ની 20મી ઓગસ્ટ સુધીમાં 68 ટકા કરતા વધુ વરસાદ થયો હતો. જયારે આ વર્ષે હજુ સુધી માત્ર 36.57 ટકા જ વરસાદ થયો છે. ત્યારે ઓછા વરસાદને લીધે નદી, નાળા સહિત તળાવ તો ખાલીખમ છે. પરંતુ ખેતીમાં પણ વાવેતર કરેલ પાક બળી જવાની શકયતા દેખાઈ રહી છે. ત્યારે જગતનો તાત આગામી દિવસોમાં અને ચોમાસાના પાછોતરા સમયમાં સારો વરસાદ પડે તેવી આશ લગાવીને બેઠો છે. આમ હાલ જગતના તાતની દયનીય સ્થિતિ જોતા વરસાદના અભાવે ખેડૂતોના પાકનું આ વર્ષ નિષ્ફળ જવાની ભીતિ સેવાતા સરકાર ખેડૂતોને મદદ કરે એવી માંગ કરી રહયા છે.

4 સપ્તાહ સુધી વરસાદ ન પડે તો જ સહાય મળે

ખેડૂત અગ્રણી રાજુભાઇ કરપડાએ જણાવેલ કે પાક વીમા યોજના બંધ થયા બાદ કિસાન સહાય યોજના અમલી બનાવાઇ છે. પરંતુ જે યોજનાનો લાભ 4 સપ્તાહ સુધી વરસાદ ના થાય એ વિસ્તારના ખેડૂતોની સહાય મંજૂર થતી હોય છે. પરંતુ 4 સપ્તાહમાં થોડો પણ વરસાદ થતો હોય છે. પરંતુ આવા વરસાદથી પાકને ફાયદો થતો નથી. એમ છતાંય સહાય ખેતીવાડી વિભાગ દ્વારા ચૂકવાતી નથી. ત્યારે આ વર્ષે છેલ્લા 30 વર્ષનો સૌથી ઓછો વરસાદ થયો હોવાથી તંત્ર દ્વારા આવા ખેડૂતોને સહાય ચૂકવાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ખેડૂતોને આવકના બદલે આર્થિક ફટકો વેઠવો પડશે

હવે શ્રાવણના અંતિમ દિવસોમાં તેમજ ભાદરવામાં જરૂરિયાત મુજબનો વરસાદ સમયસર નહીં થાય તો ખેડૂતોએ મોંઘીદાટ દવા, બિયારણ અને ખાતરનો લાખોનો ખર્ચ અને મજૂરી વેઠીને ઉગાડેલા કપાસ સહિતના પાક નિષ્ફળ જશે. એથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવશે.

પિયત સુવિધા વગરના ખેડૂતોને ખૂબ મુશ્કેલી

ખેડૂત અગ્રણી મનીષભાઇ પટેલે જણાવેલ કે નર્મદા કેનાલની કપાત બાદની નાની જમીન ધરાવતા ખેડૂતો કેનાલના પાણી, વરસાદ આધારિત જ ખેતી કરે છે. કારણ નાની જમીનમાં ટયુબવેલની વ્યવસ્થા હોતી નથી. ત્યારે આવા ખેડૂતોની જમીન સુધી કેનાલનાં પાણી નથી પહોંચતા સાથે વરસાદ પણ નથી થતો. એથી આવા ખેડૂતો વરસાદ ખેંચાતા ખુબ મુશ્કેલી ભોગવી રહયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button