રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોમાં સબસિડી બંધ કરી દેવાતા વાહનોના વેચાણ પર સીધી અસર થઇ હોવાનું મનાય છે. છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં વર્ષ 2023માં 19,676ના વેચાણની સામે વર્ષ 2024માં 13,001 વેચાણ થયું હતું.
જ્યારે વર્ષ 2023માં સુભાષબ્રિજ RTO માં16,512ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સામે વર્ષ 2024 માં 9,135 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતાં 45 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વેચાણના ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ સબસિડી બંધ થવાનું વાહન ડિલરો માની રહ્યા છે. નવરાત્રિથી દિવાળી સુધીમાં એક મહિનામાં 596 ટુવ્હીલર, 124 કાર, 77 થ્રી વ્હીલર અને 13 ટ્રાન્સપોર્ટ મળી 810 ઇ.વી. વાહનોનું વેચાણ થયું છે. ગત વર્ષની સરખામણીમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ચાર્જિંગની સમસ્યા અને કેટલીક ઇ.વી. વાહનમાં બેટરી બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કંપનીઓએ ડિલરો મારફત બેટરીની ક્વોલિટી અંગે પૂરતો પ્રચાર કરવો જોઇએ. જેનાથી વેચાણ વધી શકે. વાહન માલિકોએ કહ્યું કે, બેટરી ચાર્જિંગની સમસ્યા વધુ છે. લાંબા અંતરે ઇ.વી.વાહન લઇ જવાનું હોય ત્યારે ઘણી મુશ્કેલી પડે છે.
RTO અને કોર્પોરેશનની ચાર્જિંગ સ્ટેશન વધારાની વાતો કાગળ પર
અમદાવાદની ત્રણેય આરટીઓ અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ ચાર્જિંગ સ્ટેશન વધારવાની વાતો માત્ર કાગળ પર કરે છે. ધાર્મિક સંસ્થાઓ કે પછી સામાજિક સંસ્થાઓ પોતાની જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરીને બિનજરૂરી સમસ્યાઓને વેગ આપવા માંગતા નથી. કોર્પોરેશન દ્વારા મોટી મોટી જાહેરાતો કરાય છે.
Source link