સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલી ભારતીય ટીમ શનિવારે પાકિસ્તાન સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 350 દિવસ પછી આમને સામને થવાની છે. મેચ પહેલાં બંને ટીમના સુકાનીઓએ એકબીજાના વખાણ કર્યા હતા.
ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા ઈચ્છશે. સતત ચાર મેચ જીતનારી ભારતીય ટીમ પોઈન્ટ ટેલબમાં ટોચ પર છે. જ્યારે પાકિસ્તાન બીજા સ્થાને છે. પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે ચીનને ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં 3-0થી હરાવ્યું હતું ત્યારબાદ જાપાનને 5-1, મલેશિયાને 8-1 અને કોરિયાને 3-1થી પરાજય આપ્યો હતો. હવે ભારતીય ટીમની નજર પાકિસ્તાન સામેની મેચ પર રહેલી છે. પાકિસ્તાનની ટીમે મલેશિયા અને કોરિયા સામે 2-2થી ડ્રો રમી હતી. આ સિવાય પાકિસ્તાને જાપાનને 2-1, ચીનને 5-1થી પરાજય આપ્યો હતો.
હાંગઝોઉ એશિયામાં છેલ્લા વર્ષે ભારતે પાકિસ્તાનને 10-2થી પરાજય આપ્યો હતો. આ પહેલાં ચેન્નાઈમાં એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતે 4-0થી વિજય હાંસલ કર્યો હતો. એશિયા કપ 2022 જકાર્તામાં ભારતીય ટીમે પાક. સામે 1-1થી ડ્રો રમી હતી જ્યારે 2021 એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી ઢાકામાં ભારતે પાકિસ્તાનને 4-3થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય સુકાની હરમનપ્રીત શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે પાકિસ્તાન સામેની મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છે. હરમનપ્રીતે મેચ પહેલાં જણાવ્યું કે હું મારા જુનિયરના દિવસોથી કેટલાક પાકિસ્તાનના ખેલાડીઓ સાથે રમી રહ્યો છું.મારો તેની સાથે સારો સંબંધ છે અને તે મારા ભાઈ જેવા છે. જોકે મેદાન પર કોઈપણ વિરોધી સામે ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. વિશ્વ હોકીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરીફાઈનો કોઈ મુકાબલો નથી. મને ખાતરી છેકે વિશ્વભરના હોકી ચાહકો આ મેચની રાહ જોતાં હશે. પાકિસ્તાનના સુકાની અમ્માદ બટ્ટે મેચ પહેલાં જણાવ્યું કે ભારત અત્યાર સુધી ACT ટૂર્નામેન્ટમાં ચેમ્પિયનની જેમ રમ્યું છે. અમે દરેક મેચમાં અમારા પ્રદર્શનમાં પણ સુધારો કર્યો છે અને શિસ્તબદ્ધ હોકી રમી છે. અમે આ પ્રદર્શન જાળવી રાખીશું.
Source link