GUJARAT

Vadodara: પૂર બાદ રોગચાળો વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો

  • વાયરલ ફીવરના દૈનિક કેસ 400થી વધુ નોંધાઈ રહ્યા છે
  • મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગમાં પણ વધારો થયો
  • વડોદરાના કરજણમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

વડોદરા જિલ્લામાં પુર બાદ રોગચાળો વકર્યો છે અને શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં વરસાદમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ, શરદી, ઉધરસના કેસો સતત વધી રહ્યા છે અને દર્દીઓની લાંબી લાઈનો હોસ્પિટલમાં લાગી છે.

ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે

ત્યારે જો વાયરલ ફીવરના દૈનિક કેસની વાત કરીએ તો તે 400થી વધુ નોંધાઈ રહ્યા છે. જો કે હજુ પણ પાલિકા દ્વારા રોગચાળાના આંકડા આપવામાં આવ્યા નથી. ત્યારે જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. તેની વચ્ચે આઈ.એમ.એ દ્વારા પણ રોગચાળો કહેર મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

કરજણમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

તમને જણાવી દઈએ કે વડોદરાના કરજણમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદથી હલાદરવા ગામે પાણી ભરાયા છે. શહેરના નવીનગરી રોડ વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. બીજી તરફ વડોદરાના શિનોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે રોડ ઉપર પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી અને વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં પણ મેલેરિયાના 212, ઝાડા ઉલ્ટીના 751 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરમાં મેલેરિયાના 212 કેસ, ઝાડા ઉલ્ટીના 751 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 538 કેસ, ટાઈફોઈડના 788 કેસ શહેરમાં નોંધાયા છે. ત્યારે કોલેરાના પણ 23 કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધવાના કારણે મચ્છરજન્ય રોગના કેસોમાં પણ વધારો થયો છે, જેને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 1400થી વધુ ઓપીડી કેસ નોંધાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button