GUJARAT

Bayad જૂના ઊંટરડાના રહીશને રતલામ જતાં ટ્રેનમાં એટેક આવ્યો : સારવાર મળે

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. સ્વસ્થ અને તંદુરસ્ત લાગતો યુવાન અચાનક ચક્કર ખાઈને બેભાન થઈને ઢળી પડવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.નખમાં ય કોઈ રોગ ન હોય, વજન કંટ્રોલમાં હોય, બીપી નોર્મલ હોય તેવા યુવાનોને હાર્ટએટેક ભરખી ગયો છે.

આવો જ એક કિસ્સો તાજેતરમાં બાયડ તાલુકાના જૂના ઊંટરડામાંથી સામે આવ્યો છે.જેમાં 53 વર્ષીય રહીશને રતલામ જતાં ટ્રેનમાં જ હાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેમણે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ અવસાન થઈ ગયું હતું. બાયડ તાલુકાના જૂના ઊંટરડા ગામના ભરતકુમાર શાંતિલાલ જોષી (ઉં. 53 વર્ષ, હાલ રહે.નરોડા, અમદાવાદ) રતલામ (મધ્ય પ્રદેશ) ખાતે યેવલા બીડીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં તેઓ ઘરે આવ્યા હતા. દરમિયાન સોમવતી અમાસે, 2 સપ્ટેમ્બરે તેઓ સવારે 9 કલાકે અમદાવાદ કાલુપુરથી રતલામ જવા માટે ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન સાંજે સાડા ત્રણ વાગ્યાની આસપાસ રતલામ પહોંચાડે છે. રતલામ 20 કિલોમીટર બાકી હતું ત્યારે તેમને છાતીના નીચેના ભાગે બે ફેફસાની વચ્ચે એસિડીટી જેવું લાગ્યું હતું અને શરીરે પરસેવો વળી ગયો હતો. તેઓ આયુર્વેદના જાણકાર હતા તેથી અણસાર આવી ચૂક્યો હતો કે હાર્ટએટેક આવ્યો છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમણે ઓફિસમાં મેનેજરને કોલ કરી કહ્યું કે, મને હાર્ટએટેક આવ્યો છે, તમે ગાડી લઈને રેલવે સ્ટેશને આવો. હું એસ-3 નંબરના કોચમાં બેઠો છું. બાદમાં ટ્રેન રેલવે સ્ટેશને પહોંચે તે પહેલાં ઓફિસથી ત્રણ માણસો ગાડી લઈને આવી પહોંચ્યા હતા. ભરતભાઈ ડબ્બામાંથી ઉતર્યા અને ચાલીને ગાડીમાં બેઠા હતા. અંદાજે 10 મિનીટની આસપાસ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટર ઈસીજી મશીન લઈ આવ્યા હતા અને સારવાર શરુ કરે તે પહેલાં જ અચાનક તેમના શ્વાસ થંભી ગયા હતા. ડોક્ટરે તેમને બચાવવા માટે પમ્પિંગ પણ કર્યું હતું પણ એ બધા ઉપાયો કારગત સાબિત થયા નહોતા. ભરતભાઈએ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં સાંજના ચાર વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. જેના કારણે ઓફિસના સ્ટાફમાં તેમજ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

દીકરીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી

પરિવારજનોના જણાવ્યા મુજબ, ભરતભાઈના દીકરીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. નરોડા ખાતે લગ્ન લેવામાં આવનાર હતા અને તે માટે તેઓ ખૂબ ચીવટથી તૈયારીઓમાં લાગ્યા હતા. તેમને પરિવારમાં પત્ની, પૂત્રી ઉપરાંત એક પૂત્ર છે જે કોલેજ કરે છે. તેમના મોટાભાઈ ગુણવંતભાઈનું પણ અગાઉ હાર્ટએટેકથી અવસાન થયું હતું. પિતા 85 વર્ષની ઉંમરે નાદુરસ્ત હોવાથી તેમની સાર-સંભાળ પણ તેઓ રાખતા હતા. દીકરીને રંગેચંગે હાથ પીળા કરાવવાની પિતાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ઘરના મોભીની અચાનક વિદાયથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. આ અંગે મૃતકના કુટુંબી વિપુલભાઈ જોષીએ કહ્યું કે, ભરતભાઈને નખમાં ય રોગ નહોતો. વજન પણ નહોતું અને બીપી પણ નોર્મલ હતું. અગાઉ ક્યારેય ભૂતકાળમાં હાર્ટએટેકનો હૂમલો પણ આવ્યો નહોતો. ક્યારેય અગાઉ છાતીમાં દુઃખાવાની ફરિયાદ પણ કરી નહોતી. ભરતભાઈ અન્ય યુવાનોને શરીર સાચવવાની સલાહ આપતા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button