NATIONAL

Delhi: SEBI ચીફ માધવીએ ત્રણ સ્થાનેથી પગાર લીધો

  • સાત વર્ષ દરમિયાન સેબી ચીફે આઈસીઆઈસીઆઈ પાસેથી રૂ. 16.80 કરોડની કમાણી કરી હોવાનો વિપક્ષનો દાવો
  • સેબીમાં કામ કરવા દરમિયાન બુચે આઈસીઆઇસીઆઈ બેન્ક પાસેથી રૂ. 12.63 કરોડનો પગાર મેળવ્યો
  • માધવી બુચમાં થોડી પણ શરમ હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ: પવન ખેડા

વ્હિસલ બ્લોઅર હિંડનબર્ગના ચકચારી રિપોર્ટ બાદ સવાલોના ઘેરામાં આવી ગયેલાં સેબીના ચેરમેન માધવી પુરી પર હવે કોંગ્રેસે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માધવી પુરીએ 2017થી 2024 દરમિયાન આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી સતત પગાર લીધો છે.

તેણે દાવો કર્યો હતો કે આ સાત વર્ષ દરમિયાન સેબી ચીફે આઈસીઆઈસીઆઈ પાસેથી રૂ. 16.80 કરોડની કમાણી કરી હતી. ખેડાએ દાવો કરેય હતો કે માધવી પુરી બુચે આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ અને સેબી પાસેથી એકસાથે પગાર મેળવ્યો છે. ખેડાએ જણાવ્યું હતું કે સેબી એક નિયમનકાર છે. મધ્યમ વર્ગ અને આપણે બધા જ્યાં નાણા લગાવીએ છીએ તે બજારને રેગ્યુલેટ કરવાની જવાબદારી સેબીની છે. સેબીના ચેરપર્સનને કોણ નિયુક્ત કરે છે? સેબીના ચેરમેનની નિયુક્તિ કરનાર એસીસીમાં વડાપ્રધાન અને ગૃહ પ્રધાન છે. તેણે બન્ને પર નિશાન સાધતાં દાવો કર્યો હતો કે સેબી અધ્યક્ષની નિયુક્તિ માટે આ સમિતીમાં બે સભ્ય છે અને તેઓ જ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ દ્વારા તાજેતરમાં એવો દાવો કરાયો હતો કે સેબીના વડા અને તેમના પતિ અદાણી જૂથ સાથે સાંઠગાંઠ ધરાવે છે. જો કે તેમણે તેનો ઈનકાર કર્યો હતો.

માધવી બુચે રાજીનામું આપી દેવું જોઇએ : કોંગ્રેસ

પવન ખેડાએ જણાવ્યું હતું કે માધવી બુચ 2017થી 2023ની વચ્ચે આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી કરોડો રૂપિયાની રેગ્યુલર ઇન્કમ લઇ રહી હતી અને ઇસોપ પર જે ટીડીએસ હતો તે પણ આ બેન્ક આપી રહી હતી. આ બાબત સીધી સેબીની કલમ-54નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેથી જો માધવી બુચમાં થોડી પણ શરમ હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ.

પવન ખેડાએ અનેક સવાલો કેન્દ્ર સરકારને પૂછયા

મીડિયાને સંબોધન કરતાં પવન ખેડાએ સીધો સવાલ કર્યો હતો કે જ્યારે સેબીના વડાની પસંદગી કરવામાં આવે છે તો તેના ક્રાઇટેરીયા શું હોય છે? શું નિયુક્તિ સમયે એસીસીની સામે આ તથ્યો આવ્યા હતાં કે નહીં? જો નહોતા આવ્યા તો કેવી સરકાર ચલાવી રહ્યા છો? શું વડાપ્રધાનને જાણકારી હતી કે સેબીની ચેરપર્સન એક ઓફિસ ઓફ પ્રોફિટ પર બેઠી છે એ સીબી મેમ્બરની સાથોસાથ આઈસીઆઈસીઆઈ પાસેથી પગાર મેળવી રહી છે? શું વડાપ્રધાનને જાણકારી છે કે સેબીની ચેરપર્સન આઈસીઆઈસીઆઈના ઘણા મામલાઓ પર નિર્ણય કરી રહી છે? સેબીની ચેરપર્સન અંગે આટલા તથ્ય છે તેમ છથાં પણ તેને કોણ બચાવી રહ્યું છે?

માધવી બુચને નિવૃત્તિ બાદ કોઇ વેતન ચૂકવાયું નથી : ICICI બેન્ક

સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ એકસાથે ત્રણ સ્થાન પરથી વેતન લેતા હતાં તેવા કોંગ્રેસી પ્રવક્તાના આરોપો બાદ ખળભળાટ મચી ગયો છે. પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ માધવી પુરી પર આરોપ મુકતા જણાવ્યું હતું કે તેને સેત વર્ષ દરમિયાન સેબી ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેન્ક અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ તરફથી પણ પગાર મળતો હતો. આ મુદ્દે સોમવારે મોડેથી આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આઈસીઆઈસીઆઈ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માધવી બુચ ઓક્ટોબર 2013માં બેન્કમાંથી નિવૃત્ત થયા તે પછી તેમને કોઇ પગાર ચુકવવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, પવન ખેડાએ આરોપ મુક્યો હતો કે સેબીમાં કામ કરવા દરમિયાન બુચે આઈસીઆઇસીઆઈ બેન્ક પાસેથી રૂ. 12.63 કરોડનો પગાર મેળવ્યો હતો. ખેડાએ ઉમેર્યું હતું કે માધવી બુચે આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ પાસેથી પણ રૂ. 22.41 લાખની આવક મેળવી હતી. તેમણે આરોપ મુક્યો હતો કે 2021-23 વચ્ચે સેબી ચેરપર્સનને રૂ. 2.84 કરોડના ઇએસઓપી(ઇસોપ) પણ મળ્યા હતાં.

સાથે આ દરમિયાન ઈએસઓપી પર ટીડીએસ પણ પ્રાપ્ત થયું હતું જેની બેન્ક દ્વારા રૂ. 1.10 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે સેબીની પ્રથમ લેટરલ એન્ટ્રી ધરાવતી ચેરપર્સનને કોઇપણ તપાસ વગર નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેને કારણે સેબીની શાખ પર બદનામીનો ધબ્બો લાગ્યો છે. ખડગેએ જણાવ્યું હતું કે સેબી મધ્યમ અને નાના રોકાણકારોની મહેનતની કમાણીને સુરક્ષિત રાખે છે. સરકારના આ પ્રહકારના નિર્ણયોથી માર્કેટ રેગ્યુલેટર પરનો ભરોસો ઘટી જશે. તેથી સેબી ચીફને તુરંત હોદ્દા પરથી દુર કરવામાં આવે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button