GUJARAT

Vadodara: વડોદરામાં પૂર કુદરતી નહિ સરકાર સર્જિત : કૉંગ્રેસ

  • સ્પેશિયલ પેકેજ જાહેર કરો લોકો જ લડાઈ લડવા ખૂલીને બહાર આવ્યા હોઈ તેવું પહેલીવાર બન્યું
  • રાજ્ય સરકાર રૂા. 60, 100 અને 2500 આપી પૂરપીડિતોની મજાક ન કરે
  • લોકોની જીવ બચાવવા માટે આજીજી તેમ છતાં બોટનો ઉપયોગ ના કરાયો

વડોદરામાં આવેલું પૂર કુદરતી નથી, સરકાર સર્જિત છે, એમની ગુનાહિત બેદરકારીને કારણે પૂર આવ્યું છે, તેના કારણે જ પ્રજામાં જબરજસ્ત આક્રોશ છે. લોકો જ લડાઈ લડવા ખુલીને બહાર આવ્યા હોઈ તેવું પહેલીવાર બન્યું છે. પુરમાં લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર રૂ. 60, 100 અને 2500 આપી પુરપીડિતોની મજાક કરી રહી છે, ત્યારે સરકાર નુકસાનીનો સર્વે કરાવી સ્પેશિયલ પેકેજ જાહેર કરે, તેવી માંગ કોંગ્રેસ કરી છે.

વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમીત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને રાજ્યમાં લગભગ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પણ, પહેલીવાર પૂર આવ્યું જ નથી. અત્યાર સુધીમાં અનેક પૂર આવી ગયા છે. પુર આવવા પાછળ વિશ્વામિત્રી નદી કિનારે ઝોન ફેરફાર કરી થયેલા ગેરકાયદેસર બાંધકામો તથા પાણીના નિકાલ માટેની કાંસો ઉપરના દબાણો કારણભૂત છે.

ભાજપના નેતાઓ અને અધિકારીઓએ પૈસા માટે પોતાના મળતીયાઓના લાભ કરાવવા ક્યાંક નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો કરાવ્યા છે, તો ઝોન ફેરફાર કરી મળતીયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે.

કાંસ પર અને તળાવની જગ્યામાં દબાણો થતાં તબાહી મચી છે. જેથી પૂરની સ્થિતિ બાદ કોઈ સબક લીધો હોય તો તાત્કાલિક રીતે એક મહિનાની અંદર તમામ નદી કાંઠા, કાંસ કે તળાવની જગ્યા પર થયેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દુર કરાવે, તેવી અમારી સરકાર પાસે માંગણી છે. તેમજ નિયમોને નેવે મુકી ગ્રીનઝોનને બદલે આરવન ઝોન જાહેર કર્યો છે, તેને ફરી ગ્રીનઝોન તરીકે જાહેર કરવામાં આવે, એવી અમારી માંગણી છે.

વધુમાં ચાવડાએ ઉમેર્યં હતું કે, વિશ્વામિત્રી નદી માટે રૂ. 1,200 કરોડની યોજનાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે, આવી જાહેરાત વર્ષ 2019માં પણ કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. માત્ર મીટીંગો કરવાની સાથે કરોડો રૂપિયા ખર્ચ થાય છે, પણ કામ જોવા મળતું નથી. લોકો જીવ બચાવવા મદદ માટે આજીજી કરતા હતા, છતાં એક પણ બોટનો ઉપયોગ થયો નથી, ત્યારે તમામની તપાસ થવી જોઈએ. પણ, ભાજપને એમનું સદસ્ય અભિયાન પ્રાથમિકતા લાગે છે અને લોકોની મદદ કરવા ઘરે-ઘરે જવું નથી. પણ, સદસ્ય બનાવીને પાર્ટીનો વ્યાપ કરવા પહેલું જવું છે. એટલે, અમારી માંગ છે કે, સદસ્ય બનાવવામાંથી બહાર આવી લોકોના માલ – મિલકત જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેનો

સર્વે કરી કંઈ રીતે લોકોને રાહત આપી શકાય તે દિશામાં પહેલા વિચારી રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ. લોકોના ઇએમઆઇ માફ્ કરવા જોઈએ.

પરિવારદીઠ ઓછામાં ઓછી રૂા. 10 હજારની સહાય આપો

મોડા મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાહે આવ્યા હોય એ આપણે બધાએ જોયું. પ્રજા ની વચ્ચે એના ધારાસભ્યોને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કંઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા લોકોને અપેક્ષા હતી કે, કઈ મોટું પેકેજની જાહેરાત કરશે. પણ કંઈ ના મળ્યું. કેસડૉલ આપવાની મોડી મોડી શરૂઆત થઈ થઈ. પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા, બાળક હોય તો 60 રૂપિયા અપાય. સાથે સાથે વેપારીઓને જે પ્રમાણમાં નુકસાન થયું છે, તેની સામે કેશડોલની રકમ બિલકુલ નહીંવત છે. દરેક પરિવારને ઓછામાં ઓછી રૂ. 10 હજારની સહાય મળવી જોઈએ.

પૂરના 13 મૃતકોના પરિવારોને 25-25 લાખની સહાય ચૂકવો

ચાર – ચાર દિવસ સુધી લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ વગર પાણીમાં ડૂબી રહ્યાં. પણ, કોર્પોરેશનના અધિકારી કે કોઈ પદાધિકારી પહોંચ્યો નહીં. વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા તો ન બોટ પહોંચી કે ન મદદ. એના કારણે લોકોના જીવ જવાની સાથે માલ – મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન થયું. પુરમાં 13 લોકોના મોત થયા છે, તેમની જિંદગીની કિંમત ન થઈ શકે, પણ ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા સહાય તેમના પરિવારને સરકાર તાત્કાલિક ચુકવે, તેવી કોંગ્રેસે માંગ કરી છે.

ગેરકાયદે બાંધકામ – ઝોનફેરના કેસો કોંગ્રેસ ફી લીધા વગર લડી આપશે

કોંગ્રેસે લોકોની તકલીફો જાણવા 19 બોર્ડમાં જવાનું નક્કી કર્યું છે. અમને મત મળ્યા છે ત્યાં પણ જઈશું નથી મળ્યા ત્યાં પણ જઈ એક – એક વડોદરાવાસીઓની તકલીફ્ જાણી એમના અવાજને બુલંદ કરવા આગામી તા. 5મીથી કાર્યક્રમ શરૂ કરવાના છે. તેમજ ગેરકાયદેસર બાંધકામ સામે ખોટી રીતે ઝોન ફ્ેરફર કરવામાં આવ્યો છે એની સામે કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી બાબતમાં લીગલ લડાઈ લડવા માંગતા હશે તો હાઇકોર્ટ સુધી લડવા માટે જે પણ મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હશે તો કોંગ્રેસની લીગલ ટીમ એક પણ રૂપિયો ફી લીધા સિવાય લડવા તૈયાર છે.

કોર્પોરેશનના પદાધિકારી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરી સજા થવી જોઈએ

લોકો તરફથી રજૂઆતો મળી છે કે, વારંવાર પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન અને જાનહાની થાય છે. પણ, જવાબદારી નક્કી નતી નથી. કોર્પો.ના જે પણ પદાધિકારી – અધિકારીઓએ ખોટું કરી ભ્રષ્ટાચાર થકી શહેરને ડુબાડયું છે, તેની જવાબદારી નક્કી કરી સજા થવી જોઈએ, તેમ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાએ જણાવ્યું હતું.

સમા વિસ્તારના અગોરા મોલમાં પૂર્વ મુખ્યમંત્રીના કુંટુંબના લોકોની ભાગીદારી હોવાનો આક્ષેપ

આનંદીબેન મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓના કુટુંબના લોકોની ભાગીદારી અગોરા મોલમાં હોવાની વાત હતી, ત્યારે કોંગ્રેસે અગોરાના ગેરકાયદે બાંધકામ સામે લડત લડી વિધાનસભામાં રજૂઆતો કરી હતી. જ્યારે ખોટા બાંધકામો થયા, પૈસાનો દુરુપયોગ થયો, પૂર આવ્યા ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે મુદ્દાઓ ઉઠાવી પ્રજાની તકલીફ્ને વાચા આપી છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપ સાથે જોડાયેલા લોકોના પ્લોટ – જમીનો ગ્રીનઝોનમાંથી ઇ-1 ઝોન કરી આપ્યાં

વિશ્વામિત્રી નદીના કિનારા પર ગ્રીનઝોન હતો. આ જ વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના મહેસુલ મંત્રી બન્યાં, તે પછી ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ અને જમીનો હતી, તેને ગ્રીનઝોનમાંથી ફેરફાર કરી આરવન ઝોન કરી આપ્યા. અનેક જગ્યાએ નદીને અડી બાંધકામો કરવાની શરૂઆત થઈ. કેટલીક જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મુકી નદીમાં ગેરકાયદે બાંધકામો થયા. અગોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરાયું. એજ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજાનો આખો બંગલો નદીમાં દબાણ કરી બનાવવામાં આવ્યો છે. દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે બાલાજીનું બાંધકામ કાંસો અને નદી પર ગેરકાયદે થયા છે. જેથી એક બાજુ નદીને સાંકળી થતાં એની વહન ક્ષમતામાં ઘટાડો થયો, બીજી બાજુ વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ અને તળાવો ઉપર પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો થતાં તેનો ભોગ આજે વડોદરાની જનતા બની છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button