23 વર્ષીય જાહ્નવી ભરશે અંતરિક્ષ માટે ઉડાન, અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ મિશન માટે થઈ પસંદગી

નાસાના Axiom-4 મિશન હેઠળ 25મી જૂને ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ ઊડાન ભરી ચૂક્યા છે. એ દરમિયાન દેશ માટે બીજી ગર્વની વાત સામે આવી છે આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં રહેતી માત્ર 23 વર્ષની જાહ્નવી ડાંગેતીને 2029માં અમેરિકાની ટાઇટન્સ સ્પેસ કંપની દ્વારા આયોજિત અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ મિશન માટે પસંદ કરવામાં આવી છે. આ મિશનમાં તે પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે અને લગભગ ત્રણ કલાક સુધી ઝીરો ગ્રેવિટીનો અનુભવ કરશે.
અવકાશમાં જઈ પૃથ્વીની પરિક્રમા કરશે
ટાઇટન્સ સ્પેસનું આ મિશન સામાન્ય અવકાશ યાત્રા કરતા ઘણી રીતે જુદું છે. તે કોઇ પરંપરાગત રોકેટથી નહીં પણ એક ખાસ ડિઝાઇન કરાયેલ ‘ટાઇટન્સ જિનેસિસ’ સ્પેસપ્લેન દ્વારા હાથ ધરાશે, જે ફ્લાઈટની જેમ રનવે પરથી ટેકઓફ કરશે. આ સ્પેસપ્લેન અવકાશમાં જઈ પૃથ્વીની પરિક્રમા કરશે, જ્યાં યાત્રીઓ ઝીરો ગ્રેવિટી તથા અવકાશમાંથી પૃથ્વીનો નજારો માણી શકશે, આ બધું હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી અનુભૂતિ આપશે.
‘યંગ અચીવર્સ એવોર્ડ’
જાહ્નવીનું શિક્ષણ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં થયું છે. અભ્યાસ દરમ્યાન જ તેમણે નાસાના આંતરરાષ્ટ્રીય એર એન્ડ સ્પેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. ભારતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન બદલ ISRO દ્વારા તેમને ‘યંગ અચીવર્સ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો છે, જે તેમના અભૂતપૂર્વ કારકિર્દીનો એક મોટો સન્માન છે.
અવકાશવિજ્ઞાનના અનેક દરવાજા ખૂલવાની આશા
વિશ્વભરમાં ટાઇટન્સ સ્પેસના આ મિશન અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કંપનીનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં અવકાશ યાત્રા ખાસ ગણીને પેસેંજર્સ માટે સરળ, સસ્તી અને ઉપલબ્ધ બનાવી શકાય. ટાઇટન્સ જિનેસિસ દ્વારા આગામી વર્ષોમાં ટૂરીઝમ સાથે અવકાશવિજ્ઞાનના અનેક દરવાજા ખૂલવાની આશા છે. અને એના પહેલા ભારતીય ભાગીદાર તરીકે જાહ્નવી ડાંગેતીનું નામ ગૌરવભેર ઉલ્લેખાય છે.