નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યાં; 3નો બચાવ 2નાં મોત

નવસારીમાં દુઃખદ ઘટના સામે આવી છે. કપડા ધોતી 4 મહિલાઓ પાણીમાં ડૂબી ગઇ હતી. દરમ્યાન એક યુવક મહિલાઓને બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો. માછીમારોએ ઝાળ નાખીને 3 મહિલાઓને બચાવી લીધી હતી જયારે એક મહિલા અને બચાવવા ગયેલો યુવક ડૂબી ગયો છે. હાલ મહિલાની લાશ મળી આવી છે જયારે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પાણીમાં ડૂબી જતા એક મહિલાનું મોત થયું
મળતી માહિતી મુજબ નવસારીના ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર કપડા ધોઈ રહેલી 4 મહિલાઓ પાણીમાં ડૂબી ગઇ હતી, મહિલાને ડૂબતા જોઈ સ્થાનિક યુવક બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો જો કે બચાવવા માટે પડેલો યુવક પણ પાણીમાં ડૂબી ગયો હતો.
બીજી તરફ નદી પસાર કરી રહેલા માછીમારે ઝાળ નાખીને 3 મહિલાઓને બચાવી લીધી હતી જયારે એક મહિલાના મૃતદેહને નવસારી ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે જયારે બચવવા ઉતરેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
યુવક ગુમ થતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
મૃતક મહિલા અને પાણીમાં ગુમ યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે, એક મહિલાનું મોત થયું છે અને એક યુવક હજુ ગુમ છે. ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ છે.