સંપત્તિના વિવાદમાં સગા પુત્રએ જનેતાને મોતને ઘાટ ઉતારી, આરોપી પુત્રની ધરપકડ
તેલંગાણામાં મિલકતના વિવાદમાં એક યુવકે તેની માતાને છરીના ઘા મારીને હત્યા કરી દીધી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.

સંગારેડ્ડી જિલ્લાના રામચંદ્રપુરમ મંડળના તેલપુરમાં એક યુવકે મિલકતના વિવાદમાં ચાકૂ મારીને માતાની હત્યા કરી નાખી હતી. પિતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેઓ પણ ઘાયલ થઈ ગયા હતા. આ સંદર્ભે પોલીસે કેસ નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, તેલપુરના રહેવાસી મલ્લારેડી અને રાધિકા રેડ્ડી (50)ને 2 પુત્રો છે. મોટા દીકરા સંદીપ રેડ્ડીનાં લગ્ન 1 વર્ષ પહેલા જ થયાં હતાં. નાનો દીકરો કાર્તિક રેડ્ડી (26) નાની ઉંમરથી જ ભટકી ગયો હતો. તે તેના મિત્રોને મળતો નહોતો. તે બીજા ઘરમાં એકલો રહેતો હતો. તેણે ડિગ્રી સુધી અભ્યાસ કર્યો હતો. જેમ તે મોટો થતો ગયો તેમ તે દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો. તે ફક્ત તે લોકોનો વિરોધ કરતો હતો જે તેની નજીક હતા.
માતા-પિતાએ પોતાના દીકરાને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવા માટે ઘણી કોશિશ કરી હતી. કોઈક રીતે તેમણે પોતાના દીકરાને મનાવીને કોઈમ્બતુરના એક પુનર્વસન કેન્દ્રમાં મોકલી દીધો હતો. ત્યાં સારવાર લીધા બાદ, તે 1 મહિના પહેલા ઘરે પાછો ફર્યો. તે તેના માતાપિતા સાથે રહેવા લાગ્યો. તેના માતાપિતા ખુશ હતા કે, તેમનો દીકરો બદલાઈ ગયો છે.
આ દરમિયાન, પુત્રે તેલપુર નજીક કરોડો રૂપિયાની જમીનને પોતાના નામે કરાવવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તે અવારનવાર પૈસા માંગવા લાગ્યો. તે ઈચ્છતો હતો કે, તે જેટલા પૈસા માંગે તેટલા તેને મળી જાય. આ વાતને લઈને પુત્ર અવારનવાર માતા-પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. રવિવારના રોજ સંપતિના વિભાજનને લઈને તેનો માતા-પિતા સાથે ઝઘડો થયો હતો.
સોમવારે સવારે તે ફરીથી તે જ મુદ્દા પર ઝઘડો કરવા લાગ્યો. જ્યારે મામલો વધુ ઉગ્ર બનતા તેણે તેની માતા પર છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. જે દરમિયાન તેના પિતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનો હાથ ઘાયલ થઈ ગયો. લોહીથી લથપથ રાધિકા રેડ્ડીને નલગંડલાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.