સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ: અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતું થયું

સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં અપાતી ચણાની દાળ દુકાનમાં બારોબાર વેચાતી હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ કાંડ સામે આવતા તંત્ર દોડતું થયું છે. તેમજ બીજી કોઈ જગ્યાએ આવું કૌભાંડ ચાલે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસો અગાઉ ગુજરાતમાં કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડાઓ બહાર આવ્યા હતા. તેમાં પણ સુરતમાં ચાલતી આંગણવાડીમાં 33,386 કુપોષિત અને અતિકુપોષિત બાળકો છે.જેમાં બાળકોની પરિસ્થિતિ અતિશય દયનિય હોવાનું સામે આવ્યું છે.જો કે સરકાર દ્વારા આવા બાળકોને પોષણ મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ રૂપિયાના ભૂખ્યા લાલચુ લોકો તે પ્રયાસો સફળ થવા દેતા નથી.કતારગામ વિસ્તારની આંગણવાડીમાં બનેલી એક ઘટનાએ તંત્રને ચોંકાવી દીધું છે.
આંગણવાડીમાં ચાલતું કૌભાંડ ઝડપાયું
જો કે સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો અને ધાત્રી માતાના પોષણ માટે આંગણવાડી થકી ચણાની દાળથી માંડીને અલગ-અલગ ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ દાળ કુપોષિત બાળકોના ઘરના બદલે બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે.