VIDEO: અમદાવાદ રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ, 18 લોકોને રેસ્ક્યુ કરાયા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે (11 એપ્રિલ, 2025) પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની 7 ગાડી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદના ખોખરામાં આગના બનાવને લઈને ફાયર બ્રિગેડની પાંચ ગાડી તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આગની ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી, આ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
પારિષ્કાર વિભાગમાં લગભગ 5000 લોકો રહે છે. આગની ઘટના જોતાં જ ત્યાંના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા અને એક સમયે તો તેમનો જીવ હાથમાં આવી ગયો હતો. મળતી માહિતી મુજબ, ફાયર વિભાગ દ્વારા 18 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને આગને કાબૂમાં કરી દેવાઈ છે.
તદુપરાંત બિલ્ડિંગના તમામ લોકો પણ સુરક્ષિત છે.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.’ આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે.
View this post on Instagram