DC vs MI Highlights:મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું, કરુણ નાયરની મહેનત એળે ગઈ

રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે ૧૨ રનથી વિજય મેળવ્યો હતો. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવરમાં ફક્ત 193 રન જ બનાવી શકી. દિલ્હી કેપિટલ્સ તરફથી કરુણ નાયર સૌથી વધુ 89 રન બનાવ્યા. મુંબઈ તરફથી કર્ણ શર્માએ ત્રણ વિકેટ લીધી. IPL 2025 માં દિલ્હી કેપિટલ્સનો આ પહેલો પરાજય છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે બીજી મેચ જીતી છે.
206 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હી કેપિટલ્સને પહેલી જ ઓવરમાં જ ઝટકો લાગ્યો. ઓપનર જેક ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. અભિષેક પોરેલે 25 બોલમાં 33 રન બનાવ્યા. કરુણ નાયર 40 બોલમાં 89 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન અક્ષર પટેલ 6 બોલમાં ફક્ત 9 રન બનાવી શક્યો. ટ્રિસ્ટન સ્ટબ્સ ફક્ત એક જ રન બનાવી શક્યા. કેએલ રાહુલે ૧૩ બોલમાં ૧૫ રનનું યોગદાન આપ્યું. વિપ્રાજ ૧૪ રન બનાવીને પાછો ફર્યો. ૧૯મી ઓવરમાં આશુતોષ શર્મા, કુલદીપ યાદવ અને મોહિત શર્મા રન આઉટ થયા. મુંબઈ તરફથી કર્ણ શર્માએ ત્રણ અને સેન્ટનરે બે વિકેટ લીધી.
અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા, જેમાં મુંબઈ તરફથી તિલક વર્માએ સૌથી વધુ 59 રન બનાવ્યા. પહેલા બેટિંગ કરવા આવેલા મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન દ્વારા સારી શરૂઆત મળી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 47 રનની ભાગીદારી થઈ. રોહિત ૧૨ બોલમાં ૧૮ રન બનાવીને આઉટ થયો હતો અને રાયન ૨૫ બોલમાં ૪૧ રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 40 રન બનાવ્યા અને કેપ્ટન હાર્દિક પંડ્યા બે રન બનાવીને આઉટ થયો. દિલ્હી તરફથી વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી.