IPL 2025 ની બાકીની મેચો ક્યારે શરૂ થશે? BCCI 11 મેના રોજ નિર્ણય લઈ શકે છે

IPL 2025 ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય આવતીકાલે એટલે કે 11 મેના રોજ લેવામાં આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર થયેલા કરાર પછી આ અપડેટ આવ્યું છે. શનિવારે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન બંને તરફથી ગોળીબાર બંધ થઈ ગયો છે. આ પછી તરત જ, એક મીડિયા રિપોર્ટ અનુસાર, IPL 2025 ટુર્નામેન્ટ આવતા અઠવાડિયે ફરી શરૂ થઈ શકે છે.
હાલમાં, IPLની 18મી સીઝનની 16 મેચો રમવાની બાકી છે. IPL 2025 માં 8 મે ના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ રમાઈ રહી હતી. જેને અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને રદ કરવામાં આવી. બાદમાં, IPL ચેરમેન અરુણ સિંહ ધુમલે ખુલાસો કર્યો કે મેદાન પર કોઈ પણ પ્રકારની ભાગદોડ ટાળવા માટે ટેકનિકલ ખામીનો આશરો લેવો પડ્યો.
દરમિયાન, ESPN ક્રિકઇન્ફો અનુસાર, IPL 2025 ની બાકીની મેચો માટે ત્રણ મેદાન પસંદ કરી શકાય છે. આ 3 મેદાન બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ચેન્નાઈમાં ચેપોક અને હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હોઈ શકે છે. હાલમાં, BCCI ના અધિકારીઓ ટૂંક સમયમાં IPL 2025 ફરી શરૂ કરવાની તારીખ નક્કી કરવા માટે એક બેઠક યોજી શકે છે.