GUJARAT

ગુજરાતમાં 11 જીલ્લામાં વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગુજરાતનાં 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં આજે રાજ્યમાં અત્ર-તત્ર-સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ (Heavy Rain) પડવાની આગાહી હવામાન વિભાગનાં નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થવાથી દેશનાં ઘણા ભાગોમાં વરસાદ પડશે.

ગુજરાત સહિત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અન્ય સ્થળોએ મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ (Rain Alert) આપવામાં આવ્યું છે. મોરબી પંથકમાં મોડી રાત્રે વરસાદનું આગમન થઈ ગયું હતું. ભારે ઉકળાટ બાદ પંથકમાં ચોમેર વરસાદ શરૂ થઈ ગયો હતો. મોરબીના ટંકારા, માળિયા, ઘૂટુ વિસ્તારમાં વરસાદ શરૂ થતા લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. ધીમી ધારે વરસાદ પડતા ઉભા પાકોને ફાયદો થશે.

ભરૂચના જંબુસરમાં વહેલી સવારે મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ધોધમાર વરસાદને લઈ શહેરના અનેક માર્ગો જળમગ્ન બન્યા છે. મુખ્ય રીંગ રોડના ચાલતા રિપેરિંગ ખોદકામમાં પાણી ભરાયા છે. રસ્તામાં જ પાણી ભરાઈ જતા રાહદારીઓને ભારે હાલાકી પડી છે. પાણીમાંથી નીકળવાનો પ્રત્ન કરતા કેટલાક વાહનો બંધ થઈ ગયા છે.

રાજકોટના જસદણ પંથકમાં વરસાદ જોવા મળ્યો છે. આટકોટ, વીરનગર, જંગવડ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પાંચવડા, જીવાપર, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ લોકોને રાહત મળી છે. સમગ્ર પંથકમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો દેખાયા છે, પંથકમાં વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ગઢાળા, મોજીરા, ખારચીયા સહિતના ગામોમાં વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ચોમાસું પાકના વાવેતરને વરસાદી પિયતનો લાભ થશે. ગીર સોમનાથનાં ઊના, ગીર જંગલ અને ગીરગઢડા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ધોકડવા, વડલી, નીતલી, જસાધાર, નગડીયા, કોદીયા, દ્રોણ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

છોટાઉદેપુર જીલ્લાના સંખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, સંખેડામાં વહેલી સવારથી અત્યાર સુધી માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર થઈ ગયું છે. સંખેડાથી હાંડોદ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇ પંથકના નદી-નાળાઓ છલકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button