ગુજરાતમાં ભારે વરસાદ યથાવત, છેલ્લા 24 કલાકમાં 170 તાલુકાઓ તરબોળ

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ આજે સવારે 6:00 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલાસણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નર્મદાના તિલકવાડામાં 6.0 ઇંચ તેમજ તાપીના ડોલવાણમાં પણ 5.3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદમાં 5.2 ઇંચ, સુરતના ઓલપાડમાં 5.0 ઇંચ, સુરતના ચોરાસીમાં 4.3 ઇંચ, તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળમાં 3.1, આણંદના ખંભાતમાં 3.1 ઇંચ, ભરૂચ શહેર અને પંચમહાલના હાલોલમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 57 તાલુકામાં એક ઇંચથી ત્રણ ઇંચ જ્યારે 95 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
24 જૂને જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા
24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
જળાશયો હાઈ એલર્ટ પર
અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આ જિલ્લાઓમાં યલો એલર્ટ
25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યુ છે.