અમદાવાદમાં બાળકો લઈ જતી સ્કૂલવાન પલટી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજ્યમાં સતત અકસ્માતોની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબ પાસે એવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી શાળાની વાન પલટી જતાં ચકચાર મચી ગઈ. વાનમાં બેસેલા તમામ વિદ્યાર્થીઓ હેમખેમ બચી ગયાં અને મોટી દુર્ઘટના ટળી છે.
ડ્રાઈવરની બેદરકારીનાં કારણે વાન પલટી
પ્રાથમિક માહિતી અનુસાર સ્કૂલવાન વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરની બેદરકારીને કારણે વાનનો સંતુલન ગુમાયો અને વાન રસ્તા પર પલટી ગઈ. અકસ્માતનું સ્થળ શાળાના સમય દરમિયાન ભારે ટ્રાફિકવાળું હોવાથી ઘટના બાદ આસપાસના લોકો અને વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો.
સ્થાનિક લોકોની સતર્કતાથી બાળકો બચ્યા
સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને વાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. દુર્ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીને ગંભીર ઈજા ન થવાને કારણે રાહત અનુભવાઈ છે. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે, “જો વાનની ઝડપ વધુ હોત તો પરિણામ ઘણું જ ભયાનક થઈ શકત.”
જવાબદારી જરૂરી: વાલીઓની માંગણી
આ ઘટના બાદ વાલીઓએ શાળાઓ અને ખાનગી વાહન સંચાલકો સામે આક્ષેપ કરતાં કહ્યું છે કે વાહનચાલકોની બેદરકારી અને ઓછી ટ્રેઇનિંગનું પરિણામ બાળકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યું છે. તેઓએ ડ્રાઈવર સામે કડક પગલા લેવા અને વાહનોના નિયમિત નિરીક્ષણની માંગ પણ ઉઠાવી છે.