સલમાન ખાન વોર ડ્રામા ફિલ્મ માટે પૂરજોશ તૈયારીમાં, આ રોલમાં દેખાશે

બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન માટે ‘સિકંદર’ ફિલ્મ એક મોટી અપેક્ષા હોવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. A.R. મુરુગાદોસ દ્વારા નિર્મિત અને અંદાજે 200 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ વ્યાપારિક રીતે નિરાશાજનક રહી. હવે સલમાન તેની આગામી ફિલ્મમાં નવી ઊંચાઈ સર કરવા તૈયાર છે.
ભારત-ચીન ગલવાન ઘાટે થયેલી લડાઈ પર આધારિત
મળતી વિગતો અનુસાર, સલમાન ખાન હવે અપૂર્વ લાખિયાની દિગ્દર્શન હેઠળ એક વોર ડ્રામા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 2020ની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી લડત પર આધારિત છે. તેમાં સલમાન ભારતીય સેનાના વિર શહીદ કર્નલ સંતોષ બાબુની ભૂમિકા નિભાવશે, જેઓ 16મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.
ફોજી પાત્ર માટે ખાસ તૈયારી
રિપોર્ટ્સ અનુસાર, ‘સિકંદર’ પછી તરત જ સલમાને નવી ફિલ્મ માટે તડામાર ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરી દીધું છે. ફોજીની ભૂમિકા માટે તે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહ્યો છે. પોતાના ખંડાલા ફાર્મહાઉસ અને બાંદ્રા સ્થિત જિમમાં ખાસ ફેરફાર કરીને નવી ટ્રેનિંગ ફેસિલિટીઝ ઉમેરવામાં આવી છે. સલમાન હાલમાં રોજ 4 કલાક સુધી ટ્રેનર વિના સર્કિટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ બિલ્ડિંગ, કાર્ડિયો અને સ્ટેમિના વધારવા માટે મહેનત કરી રહ્યો છે.
શૂટિંગ શરુ થવાની છે લદ્દાખથી
ફિલ્મના પ્રથમ લુક ટેસ્ટ્ જુલાઈના શરૂઆતમાં યોજાવાના છે, જ્યારે શૂટિંગનો પહેલો શેડ્યૂલ ઑગસ્ટ મહિનામાં લદ્દાખમાં શરૂ થશે. અહીં ફિલ્મના કેટલીક અગત્યની કોમ્બેટ સિક્વન્સ શૂટ થશે. સલમાને ઊંચા પર્વતીય વિસ્તારમાં શૂટિંગ માટે ઓલ્ટિટ્યૂડ ટ્રેનિંગ પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે, જેથી તે શારીરિક રીતે તે પરિસ્થિતિ માટે તૈયાર રહી શકે.