ગૌતમ ગંભીરના સ્પષ્ટીકરણ બાદ આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાંથી છુટ્ટી, એજબેસ્ટન ટેસ્ટ પહેલા મોટો નિર્ણય

શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સના હેડિંગલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી મેચ 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટેસ્ટ ટીમમાંથી રિલીઝકરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, હર્ષિત રાણા ટીમ ઈન્ડિયા સાથે બર્મિંગહામ આવ્યો નથી. લીડ્સ ટેસ્ટમાં હાર બાદ મુખ્ય કોચ ગંભીરે હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવા અંગે સ્પષ્ટતા કરી હતી.
ગંભીરે શું કહ્યું?
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ટીમના એક ખેલાડીને નાની ઈજા થઈ હતી, જેના કારણે તેને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, સંબંધિત ખેલાડી સમયસર સ્વસ્થ થઈ ગયો, જેના કારણે હર્ષિત રાણાને જાળવી રાખવાની જરૂર નહોતી. ગંભીરે હાર બાદ કહ્યું હતું કે, ‘હું મુખ્ય પસંદગીકાર સાથે હર્ષિત રાણા વિશે ચર્ચા કરીશ. તેને નાની ઈજાને કારણે રોકવામાં આવ્યો હતો. હવે બધું બરાબર છે. હું ચર્ચા કરીશ અને પછી નિર્ણય લેવામાં આવશે.’
હર્ષિત રાણાની પસંદગીથી સૌ આશ્ચર્યચકિત
હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું, પરંતુ લીડ્સ ટેસ્ટ પહેલા ટીમમાં તેની એન્ટ્રીએ ક્રિકેટ નિષ્ણાતોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. શ્રેણી પહેલા તેના સરેરાશ પ્રદર્શનને ધ્યાનમાં લેતા આશ્ચર્ય થવું સ્વાભાવિક હતું. હર્ષિતે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટમાં માત્ર એક વિકેટ લીધી હતી, છતાં તેને અંશુલ કંબોજ અને મુકેશ કુમાર કરતાં વધુ પસંદગી આપવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા સામે મળી હતી તક
હર્ષિત રાણાને મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નજીકના માનવામાં આવે છે. ગંભીરના કોચિંગ હેઠળ, દિલ્હીના આ ફાસ્ટ બોલરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. તે પ્રવાસ પર, હર્ષિતે બે ટેસ્ટ મેચ રમી અને ચાર વિકેટ લીધી. ત્યારબાદ પર્થ ટેસ્ટ મેચમાં, તેણે ટ્રેવિસ હેડને તેના ઓફ-કટર બોલથી આઉટ કરીને હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું. જોકે, એવું લાગે છે કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તેણે પોતાની બોલિંગમાં વધુ સુધારો કરવો પડશે.
ભારતની અપડેટેડ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, જસપ્રિત બૂમરાહ, કુલદીપ યાદવ, આકાશ દીપ, અર્શદીપ સિંહ.