નેવીના ક્લાર્કે ‘ઓપરેશન સિંદૂર’ની માહિતી કરી લીક, પાકિસ્તાન માટે કરતો હતો જાસૂસી

ભારતીય નૌકાદળના એક ક્લાર્ક વિશાલ યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભારતીય નૌસેના માટે અત્યંત મહત્વપૂર્ણ “ઓપરેશન સિંદૂર” સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાનના ગુપ્તચર સંગઠન ISI સુધી પહોંચાડી હતી. તેણે તેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મારફતે ₹2 લાખ સુધીની રકમ મેળવી હતી. વિશાલ યાદવ, હરિયાણાના રેવારી જિલ્લાના પુન્શિકા ગામનો રહેવાસી છે અને દિલ્હીમાં સ્થિત નૌસેના હેડક્વાર્ટર ખાતે કાર્યરત હતો. એટલી મહત્ત્વની જગ્યા પર રહેલા વિશાલે સંવેદનશીલ દસ્તાવેજો સ્કેન કરીને બાકાયદે શેર કર્યાં હોવાનું ખુલ્યું છે.
ક્રિપ્ટો લિંક મારફતે ચુકવણી કરવામાં આવી
CID સિક્યોરિટીના ઇન્સ્પેક્ટર જનરલ વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું કે 2022માં રાજસ્થાનમાં પકડાયેલા રવિ પ્રકાશ મીણાના કેસની તપાસ દરમિયાન વિશાલ યાદવનો કનેક્શન સામે આવ્યું. રવિએ પણ પાકિસ્તાન માટે જાસૂસી કરી હતી અને બંનેને એક જ ક્રિપ્ટો લિંક મારફતે ચુકવણી કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું. શરુઆતમાં વિશાલને ઓનલાઈન ગેમિંગનો શોખ હતો. રમતમાં મશગુલ રહેતા તેને ‘પ્રિયા શર્મા’ નામની યુવતી સાથે ફેસબુક પર ઓળખાણ થઈ. ત્યારબાદ વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે વાતચીત ચાલુ રહી. અસલમાં તે ફેક એકાઉન્ટ પાછળ પાકિસ્તાનનો એક ISI એજન્ટ હતો.
મોબાઈલમાંથી સંવેદનશીલ માહિતી મળી
પ્રારંભમાં યાદવને નાના-મોટા માહિતી આપવાના બદલામાં ₹5,000થી ₹7,000 મળતા હતા, પરંતુ બાદમાં તે વધારે મહત્વની વિગતો આપી રૂપિયા મેળવતો ગયો. “ઓપરેશન સિંદૂર” સંબંધિત માહિતી માટે તેને ₹50,000 ચૂકવાયા હતા. ધરપકડ બાદ તેણે પોતાની જવાબદારી સ્વીકારી છે અને કુલ ₹2 લાખ મળ્યા હોવાનો કબૂલાત પણ આપી છે. એના મોબાઈલમાંથી સંવેદનશીલ માહિતી મળતાં તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. હાલ તેને 30મી જૂન સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. તેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓને આધારે પણ તપાસ આગળ વધી રહી છે.