NATIONAL

ઉમરગામમાં લોખંડનો શેડ પડી જતાં 9 કર્મચારી કાટમાળ નીચે દબાયા, એકનું મોત

વાપીના ઉમરગામ GIDCમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવતી કંપનીમાં આજે મંગળવારે સવારે અચાનક લોખંડનો શેડ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 9 કર્મચારીઓ કાટમાળમાં દબાઈ ગયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચારને સામાન્ય અને ત્રણ કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી. શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો મુકવાને કારણે ઘટના બનતા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે.

9 કર્મચારીઓ કાટમાળમાં દબાયા

મળતી માહિતી મુજબ, ઉમરગામ GIDCના પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવતી એક કંપનીમાં મંગળવારે સવારે ઊભો કરાયેલો લોખંડનો શેડ અચાનક તુટી પડતા નજીકમાં કામ કરતા 9 કર્મચારીઓ કાટમાળમાં દબાઈ ગયા હતા. આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી. મેનેજર, સહ કર્મચારી સહિત લોકો દોડી આવ્યા હતા.

વજન વધી જતા શેડ તુટી પડ્યો

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને એક પછી એક 9 કર્મચારીને બહાર કાઢ્યા હતા. જો કે, એક કર્મચારીને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. ચાર કર્મચારીને સામાન્ય ઈજા થઇ હતી, જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાને પગલે ઉમરગામ પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લોખંડના શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ મુકવાના કારણે વજન વધી જતા ચોમાસામાં પવન અને વરસાદને કારણે શેડ તુટી પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button