શું કોરોના રસીથી યુવાનોના અચાનક મોત થઈ રહ્યા છે? AIIMS-ICMR રિપોર્ટમાં બહાર આવ્યું કારણ

કોવિડ-19 રસી અંગે દેશભરમાં ફેલાઈ રહેલી બધી અફવાઓને ફગાવી દેતા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ તેમની ઊંડાણપૂર્વકની તપાસમાં સ્પષ્ટ કર્યું છે કે યુવાનોમાં અચાનક મૃત્યુ સાથે કોવિડ રસીનો કોઈ સંબંધ નથી. જોકે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને અન્યત્ર યુવાનોના મોતના પ્રમાણમાં વધારો થયો હોવાનું જોવા મળે છે જેમ કે ક્રિકેટ રમતા ઢળી પડવું, અથવા વક્તવ્ય આપતા આપતા ઢળી પડવું એવા કિસ્સાઓથી એવી ચર્ચા છે કે શું આ કોરોના વેક્સીનને કારણે થઈ રહ્યું છે?
તેનાથી કોઈ જોખમ નથી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આ રસી સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી કોઈ જોખમ નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વૈજ્ઞાનિક તથ્યોના આધારે, એવું કંઈ બહાર આવ્યું નથી જે અચાનક મૃત્યુ માટે રસીને જવાબદાર ઠેરવે.
‘રસીન સલામત છે, આડઅસરો નહિવત છે’
ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ સાબિત થયું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતી કોવિડ રસી માત્ર સલામત જ નથી પણ રોગને રોકવામાં પણ અસરકારક છે. ગંભીર આડઅસરોના કિસ્સા એટલા દુર્લભ છે કે તેમને અવગણી શકાય છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે કહ્યું છે કે રસીને અચાનક મૃત્યુ સાથે જોડતી વાતો પાયાવિહોણી અને ખોટી છે.