GUJARAT

હવે શહેરમાં 30 કીમીની સ્પીડે જ ચાલશે તમારૂ વાહન, અકસ્માતની ઘટનાઓ વધતાં સરકાર લઈ શકે છે નિર્ણય

ગુજરાતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સલામતીને વધુ મજબૂત બનાવવા રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવવાનું સૂચન આપ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા વાહનોની સંખ્યા અને તેમની અવિરત ઝડપને કારણે દુર્ઘટનાઓમાં થયેલ ભારે નુકસાનને અટકાવવા માટે શહેરોના આંતરિક રસ્તાઓ પર વાહનોની મહત્તમ ગતિ મર્યાદા 30 કિમી પ્રતિ કલાક સુધી લાવવાની તજવીજ શરૂ થઈ છે.

ગતિમર્યાદા 30 કિમી પ્રતિ કલાક રહેશે

છેલ્લા દાયકામાં રાજ્યભરમાં માર્ગ અકસ્માતોમાં 75 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. જેના પગલે રાજ્ય સરકારે શહેરી ટ્રાફિક માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. નવા માપદંડ પ્રમાણે વ્યસ્ત રહેણાંક વિસ્તારમાં, સ્કૂલ ઝોન કે બજાર વિસ્તારોમાં વાહનોની ગતિમર્યાદા 30 કિમી પ્રતિ કલાક રહેશે,

જ્યારે પહોળા રસ્તાઓ કે મુખ્ય માર્ગો માટે 45 થી 60 કિમી સુધી ગતિ મંજૂર કરવામાં આવશે. ડિસેમ્બર 2024માં સંસદમાં રજૂ થયેલા કેન્દ્ર સરકારના ડેટા અનુસાર, 2013થી 2022 દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓ ગુજરાતને આ દસકામાં દેશના સૌથી ગંભીર સ્થિતિ ધરાવતા રાજ્યોમાં સ્થાન અપાવનારા છે. વાહનગતિ સામે પગલાં લેવા માટે રાજ્ય સરકાર પર સાવચેત અને સુવ્યવસ્થિત અભિગમ અપનાવવાનું દબાણ વધ્યું છે.

સરકાર વધુ નિયંત્રણ લાદવા તરફ

અત્યાર સુધીના નોર્મ્સ મુજબ, શહેરની અંદર કાર માટે 70 કિમી પ્રતિ કલાક, મોટી બાઇક્સ માટે 60 કિમી અને નાના ટૂ-વ્હીલર્સ માટે 50 કિમી પ્રતિ કલાક ગતિમર્યાદા નક્કી કરવામાં આવી હતી. એક્સપ્રેસવે પર કાર માટે 120 કિમી અને ફોર-લેન હાઇવે પર 100 કિમી સુધી ગતિ મંજૂર હતી.

પણ હવે, ખાસ કરીને ઘનવસ્તીવાળા શહેરી વિસ્તારો માટે સરકાર વધુ નિયંત્રણ લાદવા તરફ આગળ વધી રહી છે. શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના મતે, આ નવા નિયમો માટે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રુલ્સ (GDCR)માં પણ સુધારા લાવવાની શક્યતા છે. જે હેઠળ રસ્તાની પહોળાઈ, ટ્રાફિક ઘનત્વ અને દિવસના વિવિધ સમયગાળાઓ પ્રમાણે ગતિ મર્યાદા નક્કી કરવામાં આવશે.

80 કિમી પ્રતિ કલાકની ઉપરની ગતિ

વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ઊંચી ગતિએ થનારા અકસ્માતો વધુ ઘાતક હોય છે. 80 કિમી પ્રતિ કલાકની ઉપરની ગતિએ અકસ્માત થવાના સંજોગોમાં મૃત્યુની શક્યતા 20 ગણી વધી જાય છે. આ કારણે હવે સરકાર “સ્પીડ કન્ટ્રોલ ઝોન”ની માળખાકીય યોજના તરફ વળી રહી છે. વિશિષ્ટ વિસ્તારો માટે અલગ અલગ સ્પીડ લિમિટ લાગુ થશે. ટ્રાફિક ડેટા, વાહનોની સંખ્યા અને દિનચર્યા પ્રમાણે શહેરોમાં રિંગ રોડ, શેરી માર્ગો અને ડિવાઈડર વગરના રસ્તાઓ માટે નવી વ્યાખ્યાઓ ઘડી કાઢવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button