વોટ્સએપ બિઝનેસ માટે નવા ટૂલ્સ, હવે વોટ્સએપ પર કરી શકાશે કસ્ટમરને કોલ

વોટ્સએપે તેના બિઝનેસ પ્લેટફોર્મ માટે નવા ફીચર્સની જાહેરાત કરી છે. જેમાં બિલ્ટ-ઇન એડ મેનેજમેન્ટની સાથે AI અને નવા વોઇસ અને વીડિયો કોલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સની તાજેતરમાં એક ઇવેન્ટમાં વોટ્સએપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર્સની મદદથી બિઝનેસ યુઝર્સ વધુ સરળતાથી માર્કેટિંગની સાથે લોકો સાથે કનેક્ટ થઈ શકશે.
મેટાના દરેક પ્લેટફોર્મ પર કરી શકાશે કેમ્પેન
વોટ્સએપ બિઝનેસના નવા ફીચર દ્વારા યુઝર પોતાના બિઝનેસની એડ્સને મેટાના દરેક પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર રન કરી શકશે. આ તમામ એડ્સને એક જ જગ્યાએથી યુઝર મેનેજ કરી શકશે. આ માટે મેટા AIનો પણ ઉપયોગ કરી શકાશે. AI સપોર્ટ આપવામાં આવ્યો હોવાથી હવે કસ્ટમરને દરેક સવાલના જવાબ ઓટોમેટિક મળશે. તેમ જ તેમને પ્રોડક્ટ સજેસ્ટ કરવામાં આવશે અને ખરીદી કરવા માટે મદદ પણ મળી શકશે. આ ફીચર હાલમાં મેક્સિકોમાં શરૂ થઈ ગયું છે અને દુનિયાના તમામ દેશોમાં ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.
AI, એડ્સ અને કોલ્સનો પણ ઉપયોગ કરી શકશે યુઝર્સ
વોટ્સએપ દ્વારા નવી અપડેટમાં કોલ ફીચર આપવામાં આવ્યું છે. આથી બિઝનેસ હવે સીધા કસ્ટમરને કોલ કરી શકશે. ટેલીહેલ્થ જેવા બિઝનેસ માટે પણ આ ફીચર ઉપયોગી બની શકે છે. જોકે વોટ્સએપ કેટલીક સર્વિસના મેસેજ માટે હવે પૈસા ચાર્જ કરશે અને એ લોકેશન તથા કઈ સર્વિસ છે તેના આધારે નક્કી થશે. જો કે 24 કલાકની અંદર જવાબ આપ્યો હશે તો ફ્રીમાં રિપ્લાય મળી શકશે.
વોટ્સએપ બિઝનેસના નવા ફીચર લોન્ચ
વોટ્સએપ બિઝનેસમાં અત્યાર સુધી કેટેલોગ જેવા ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બિલ્ટ-ઇન AIનો પણ સમાવેશ થયો છે. સાથે જ એડ્સ, મેસેજ અને સપોર્ટ દરેક વસ્તુને એક જ જગ્યાએથી મેનેજ કરી શકાશે. અન્ય પ્લેટફોર્મ્સની એડ્સ પણ વોટ્સએપ પરથી મેનેજ કરી શકાશે.