India russia energy deal : ભારત અને રશિયા વચ્ચેના આ દ્વિપક્ષીય વેપારની સૌથી મોટી વિશેષતા એ છે કે આ વ્યવહાર ‘રૂપિયા-રુબલ’ મિકેનિઝમ દ્વારા કરવામાં આવશે. આ પગલાથી ભારતીય અર્થતંત્ર પર ડોલરનું દબાણ ઘટશે અને દેશની નાણાકીય સ્થિતિને મોટો વેગ મળશે.
હકીકતમાં, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ ન પડે તે હેતુથી યુનાઇટેડ સ્ટેટ્સે રશિયા અને ઈરાન પાસેથી તેલ-ગેસની આયાત અંગે કેટલીક છૂટછાટો જાહેર કરી છે. ભારતે આ તકનો ઉપયોગ કરીને રશિયા અને ઈરાન બંને દેશો પાસેથી તેલ મેળવવાની ‘બેવડી વ્યૂહરચના’ ઘડી કાઢી છે.
રાજદ્વારી મોરચે ભારતની મજબૂત પકડ
રશિયા સાથેના આ નવા ઊર્જા કરારો અંગે માહિતી આપતા એક વરિષ્ઠ સરકારી મંત્રીએ જણાવ્યું હતું કે, રશિયા અનેક મોરચે ભારતનું વિશ્વાસુ સાથી સાબિત થયું છે. રાજદ્વારી સ્તરે ભારતને ઈરાન સાથેના રશિયાના ગાઢ સંબંધોનો મોટો ફાયદો મળી શકે તેમ છે.
ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિકમાં થતા કોઈપણ વિક્ષેપને ટાળવા માટે રશિયાની મધ્યસ્થી મહત્વની ભૂમિકા ભજવશે. વધુમાં, રશિયા સાથેનો વેપાર માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો ન હોવાથી ભારત માટે તે વધુ સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન સંઘર્ષ બાદ ભારતે રશિયા પાસેથી અત્યાર સુધીમાં $44 બિલિયનનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે.


Leave a Comment