બનાસકાંઠા જિલ્લાને મળશે પ્રથમ સરકારી પર્યાવરણ મિત્ર ‘ગ્રીન બિલ્ડિંગ’ :- મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી
સામાન્ય નાગરિકોની સુવિધા અને પારદર્શક વહીવટ એ સરકારશ્રીની પ્રાથમિકતા:- મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સરકારશ્રી દ્વારા અંદાજે ૬૦ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ અત્યાધુનિક કલેકટર કચેરી ભવનનું નિર્માણ કરાશે. આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે નવીન બનનાર કલેકટર કચેરી ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. અંદાજે રૂ. ૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ નૂતન ભવનને આધુનિક સુવિધાઓ અને ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાઇકલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ભવનનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે અને તેની કામગીરી આગામી અંદાજિત ૧૮ મહિનામાં પૂર્ણ કરાશે. નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધાઓ તેમજ સર્વિસ સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે જિલ્લાવાસીઓને વધુ સગવડપૂર્ણ અને ઝડપી વહીવટી સેવા મળશે. ખાસ કરીને પાણી, વિજળી અને અન્ય આધુનિક સુવિધાઓ માટે પણ સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેથી કાર્યક્ષમતા અને સુવિધા બંનેમાં વધારો થાય.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને પોતાના વહીવટી કામોમાં સરળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. આધુનિકતા અને ટેકનોલોજી સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્વ આપીને આ ભવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ભવનને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં પર્યાવરણને અનુકૂળ તમામ માપદંડોનું પાલન થશે. આ નવી કચેરીમાં દિવ્યાંગ અને દ્રષ્ટિબાધિત નાગરિકોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે.

આ કલેક્ટર કચેરી ભવન બન્યા બાદ જિલ્લાના નાગરિકોને એક સુવ્યવસ્થિત, ટેક્નોલોજી આધારિત અને સુલભ વહીવટી કેન્દ્ર મળશે, જેનાથી સરકારી સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બની શકશે.
આ પ્રસંગે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




Leave a Comment