CSK vs PBKS record match : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સાતમી મેચમાં ક્રિકેટ ચાહકોને એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ચેન્નઈના ગઢ ગણાતા એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે પંજાબ કિંગ્સે યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 5 વિકેટે પરાજય આપીને ઇતિહાસ રચી દીધો છે. 210 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા પંજાબે માત્ર શાનદાર જીત જ નથી મેળવી, પરંતુ T20 ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે.
પ્રિયાંશ આર્યનો તોફાની અંદાજ
પ્રથમ બેટિંગ કરતા રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની CSKએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ચેપોકની પીચ પર આ સ્કોર સુરક્ષિત માનવામાં આવતો હતો, પરંતુ પંજાબના બેટ્સમેનો અલગ જ ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. પંજાબે માત્ર 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 210 રન બનાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ જીતનો અસલી હીરો અનકેપ્ડ ખેલાડી પ્રિયાંશ આર્ય રહ્યો હતો. તેણે માત્ર 11 બોલમાં 39 રનની અત્યંત સ્ફોટક ઇનિંગ રમીને CSKના બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા હતા.
પ્રિયાંશને તેની આ પ્રભાવશાળી રમત બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આઈપીએલ ઇતિહાસમાં આ બીજી એવી ઘટના છે જ્યારે કોઈ ખેલાડીએ બોલિંગ કે ફિલ્ડિંગ કર્યા વગર માત્ર 11 કે તેથી ઓછા બોલ રમીને આ એવોર્ડ જીત્યો હોય.
રેકોર્ડબ્રેક પંજાબ: ઓસ્ટ્રેલિયાને પણ પછાડ્યું
પંજાબ કિંગ્સ હવે T20 ક્રિકેટના ઈતિહાસમાં ‘ચેઝ માસ્ટર’ તરીકે ઉભરી આવી છે. આ જીત સાથે પંજાબ કિંગ્સ T20 ક્રિકેટમાં સૌથી વધુ વાર (9 વખત) 200 કે તેથી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કરનારી ટીમ બની ગઈ છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમ (7 વખત)ને પણ પાછળ છોડી દીધી છે. વધુમાં, ચેપોકના મેદાનમાં પંજાબનો દબદબો જોવા મળ્યો છે; વર્ષ 2023 થી 2026 સુધીમાં CSK સામે આ પંજાબનો સતત ચોથો વિજય છે.
CSK માટે ચિંતાની ઘંટડી: બોલિંગ અને કેપ્ટન્સી પર સવાલ
બીજી તરફ, આ હાર ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઘાતજનક સાબિત થઈ છે. આઈપીએલ ઇતિહાસમાં આ પાંચમી વખત બન્યું છે જ્યારે CSK 200થી વધુ રન બનાવ્યા હોવા છતાં પંજાબ સામે હારી ગયું હોય. વર્ષ 2022 પછી આ બીજી એવી સિઝન છે જેમાં ચેન્નઈએ પોતાની શરૂઆતની બંને મેચો ગુમાવી છે. સતત બે હારને કારણે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડની રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
ખાસ કરીને ડેથ ઓવર્સમાં નબળી બોલિંગ અને બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે. હવે જ્યારે પંજાબ કિંગ્સ આક્રમક ‘મિશન મોડ’માં દેખાઈ રહી છે, ત્યારે CSKએ પોતાની બોલિંગ લાઇન-અપ અને વ્યૂહરચના પર ગંભીર વિચારણા કરવાની જરૂર છે. આગામી મેચોમાં વાપસી કરવી ગાયકવાડ માટે મોટો પડકાર બની રહેશે.
T20 ક્રિકેટમાં 200+ રનનો સૌથી સફળ ચેઝ
પંજાબ કિંગ્સ – 9 વખત
ઓસ્ટ્રેલિયા – 7 વખત
પંજાબ કિંગ્સનો સૌથી સફળ રન ચેઝ (IPL)
262 રન vs KKR, કોલકાતા (2025)
210 રન VS CSK, ચેન્નાઈ (2026)*
206 રન vs CSK, અબુ ધાબી (2014)
206 રન vs SRH, હૈદરાબાદ (2014)
206 રન vs RCB, નવી મુંબઈ (2022)
ચેપોક પર CSK સામે સૌથી વધુ સતત જીતનો રેકોર્ડ
મુંબઈ ઇન્ડિયન્સ – 5 જીત (2012-2019)
પંજાબ કિંગ્સ – 4 જીત (2023-2026*)
CSK સામે જીત-હારનો રેકોર્ડ (10+ મેચ)
મુંબઈ ઇન્ડિયન્સ – 21 જીત, 18 હાર
પંજાબ કિંગ્સ – 17 જીત, 16 હાર
CSK સંબંધિત મહત્વપૂર્ણ આંકડા
– 2022 પછી આ બીજી વખત છે જ્યારે CSKએ સિઝનની પોતાની પહેલી બે મેચ હારી છે.
– IPLમાં CSKએ પંજાબ સામે 6 વખત 200+ રન બનાવ્યા છે.
– આ તેમનો કોઈ એક ટીમ સામે (RCB સાથે) સંયુક્ત રીતે સૌથી વધુ સ્કોર છે.
– આ 6 માંથી 4 વખત CSK હાર્યું.
– 2008 માં ફક્ત 1 જીત મળી (પહેલો IPL મેચ).
– 200+ રન બનાવવા છતાં સીએસકે પંજાબ સામે પાંચમી વખત હારી ગયું.
– T20 ક્રિકેટમાં એક જ પ્રતિસ્પર્ધી સામે આટલી મોટી હારનો આ રેકોર્ડ છે.
– વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા સામેના 4 હારના રેકોર્ડને તોડી નાખ્યો.




Leave a Comment