Ahmedabad police constable harassment case wife suicide : અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી કંટાળી તેની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના ભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો?
શહેરના વાસણા વિસ્તારમાં રહેતા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ પુરોહિતની પત્ની ગીતાબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આરોપ છે કે, કાયદાનું રક્ષણ કરનાર પતિ જ પત્નીને માનસિક અને શારીરિક રીતે અસહ્ય ત્રાસ આપતો હતો. આ આપઘાત પાછળ પતિની મારઝૂડ અને સતત થતા ઝઘડા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
ઊંઘની ગોળીઓ આપી બનાવને આપ્યો નવો વળાંક?
ઘટનાની વિગતો મુજબ, ગત 15 એપ્રિલના રોજ કોન્સ્ટેબલ અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, “દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તેણે ઊંઘની ગોળીઓ ખાધી છે.” જોકે, ગીતાબેનના ભાઈને શંકા જતાં તેમણે વીડિયો કોલ કર્યો હતો, જેમાં તેમની બહેન અર્ધબેભાન અવસ્થામાં દેખાઈ હતી. તેઓ તાત્કાલિક બહેનના ઘરે પહોંચે તે પહેલા જ સમાચાર મળ્યા કે ગીતાબેને ગળેફાંસો ખાઈ લીધો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પતિએ પત્નીને ઊંઘની ગોળીઓ આપી સૂવડાવી દીધી હતી અને ત્યારબાદ આ ઘટના બની હતી.
વોટ્સએપ સ્ટેટસમાં દર્દ અને ઘરમાંથી મળી અંતિમ ચિઠ્ઠી
મૃતક ગીતાબેને આપઘાત કરતા પહેલા 14 એપ્રિલના રોજ પતિ સાથે થયેલા ઝઘડાનો એક વીડિયો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો હતો, જે તેમની પીડાનું જીવતું જાગતું પ્રમાણ હતું. તપાસ દરમિયાન ઘરમાંથી એક ભાવુક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં હિન્દીમાં લખ્યું હતું કે, “મેં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.” ચિઠ્ઠીમાં બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને પતિના વર્તનથી પહોંચેલી ઠેસ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતના જણાવ્યા અનુસાર, લગ્નના 13 વર્ષ દરમિયાન ગીતાબેન અનેકવાર પતિના ત્રાસથી રિસામણે પિયર આવ્યા હતા. અર્જુનસિંહ અવારનવાર મારઝૂડ કરતો હોવાના પુરાવા પણ પરિવાર પાસે છે. વાસણા પોલીસે હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા (IPC 306/BNS હેઠળ) ની ફરિયાદ નોંધી છે.




Leave a Comment