Jamnagar Dental College Fraud: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતનો એક અત્યંત ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં જામનગરના વહીવટી અને તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વહીવટી સ્ટાફની અછતનો ફાયદો ઉઠાવી કૌભાંડ આચર્યું
મળતી માહિતી અનુસાર, ડેન્ટલ કોલેજમાં ટ્યુટર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા ડો. સંજય ઉમરાણિયાએ આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં લાંબા સમયથી વહીવટી સ્ટાફની ભારે અછત હોવાના કારણે અનેક મહત્ત્વની નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સોંપવી પડી હતી. આ વ્યવસ્થા હેઠળ કરાર આધારિત કર્મચારી શોભીત ગર્ગને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને બેન્કના તમામ વ્યવહારો સંભાળવાની જવાબદારી લેખિતમાં આપવામાં આવી હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો હતો.
બેન્ક મેનેજરની સતર્કતાથી ભોપાળું છતું થયું
આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ગત 16મી મેના રોજ થયો હતો. જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરાએ ડેન્ટલ કોલેજના ડીનને ફોન દ્વારા જાણ કરી હતી કે, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પકડ્યા છે. રોગી કલ્યાણ સમિતિના સરકારી ખાતાના ચેક મારફતે શોભીત ગર્ગ નામના કર્મચારીના વ્યક્તિગત ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ રહી છે. આ ચોંકાવનારી માહિતી મળતા જ ડીન દ્વારા તાત્કાલિક સમિતિના સભ્યો અને અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી પ્રાથમિક તપાસ શરૂ કરાઈ હતી. જેમાં શોભીત ગર્ગ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
6 મહિનામાં 15 ચેક બદલી 1.36 કરોડ રૂપિયા પોતાના ખાતામાં વાળ્યા
ત્યારબાદ રોગી કલ્યાણ સમિતિના બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવીને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા છ માસ દરમિયાન આરોપી શોભીત ગર્ગે કુલ 15 ચેક મારફતે રકમની હેરાફેરી કરીને કુલ 1,36,19,350 રૂપિયાની સરકારી રકમ પોતાના બેન્ક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. તેમાં 23મી માર્ચે 19.45 લાખ રૂપિયા, 27મી માર્ચે 24.60 લાખ રૂપિયા, 30મી માર્ચે 24.60 લાખ રૂપિયા અને બીજી એપ્રિલે 28.55 લાખ રૂપિયાની મોટી રકમ જમા કરાવાઈ હોવાનું ખુલ્યું છે
સરકારી ગ્રાન્ટમાં છેડાં કરીને ગુનાઈત વિશ્વાસઘાત કર્યો
પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગરીબ દર્દીઓની સારવાર તથા હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના પગાર ચૂકવવા માટે ગાંધીનગરથી જે સરકારી ગ્રાન્ટ મળતી હતી, તેના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. આરોપીએ ચેકની મૂળ રકમ અને વિગતોમાં કથિત ફેરફાર (ચેડાં) કરીને આ આખું કૌભાંડ આચર્યું છે અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકાર સાથે ગુનાઈત વિશ્વાસઘાત કર્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ રેકેટમાં અન્ય કોઈ સરકારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે.


Leave a Comment