CNG Price Hike: વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન રિજન (MMR) માં સીએનજી (CNG) ના રીટેલ ભાવમાં પ્રતિ કિલો રૂ. 2 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો 29 મે 2026 ની મધ્યરાત્રિથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
15 દિવસમાં બીજી વખત ભાવ વધારો
મુંબઈમાં સીએનજી ગ્રાહકો માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 15 દિવસની અંદર જ કિંમતોમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ પૂર્વે ગત 14 મે ના રોજ પણ સીએનજીના ભાવમાં રૂ. 2 નો વધારો કરાયો હતો, જેના કારણે કિંમત રૂ. 82 થી વધીને રૂ. 84 થઈ હતી. હવે આ તાજા વધારા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીનો રેટ રૂ. 84 થી વધીને રૂ. 86 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. કંપની દ્વારા તમામ ડીલરોને સુધારેલા દરો તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે.
ઓટો, ટેક્સી અને કોમર્શિયલ વાહનચાલકો પ્રભાવિત
સીએનજીની કિંમતોમાં સતત થઈ રહેલા આ વધારાના કારણે ખાનગી વાહનચાલકો ઉપરાંત સૌથી મોટો ફટકો ટેક્સી, ઓટો રિક્ષા અને અન્ય વ્યાવસાયિક (Commercial) વાહનો ચલાવતા લોકોને પડ્યો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવના કારણે તેમના રોજના બજેટ પર વિપરીત અસર પડી રહી છે અને આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
દિલ્હી અને અન્ય શહેરો સાથે સરખામણી
આ ભાવ વધારા બાદ મુંબઈમાં સીએનજી હવે દેશની રાજધાની દિલ્હી કરતા પણ મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં હાલમાં સીએનજીનો ભાવ રૂ. 83.09 પ્રતિ કિલોગ્રામ છે, એટલે કે મુંબઈમાં સીએનજી હવે દિલ્હી કરતાં રૂ. 1 જેટલો મોંઘો મળી રહ્યો છે. જોકે, બીજી તરફ નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોની સરખામણીએ મુંબઈમાં સીએનજી હજુ પણ રૂ. 7 જેટલો સસ્તો છે.


Leave a Comment