Mohali Murder Case: પંજાબના મોહાલીમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતી યુવતીની તેના જ ભૂતપૂર્વ પ્રેમીએ ઓફિસની અંદર ઘૂસીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. આ ભયાનક વારદાત ઓફિસના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલો કર્યા બાદ આરોપીએ પોતે પણ ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
CCTVમાં કેદ થઈ કિલરની ક્રૂરતા
સામે આવેલા CCTV ફૂટેજ અનુસાર, યુવતી પોતાની ડેસ્ક પર બેસીને રોજિંદું કામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક આરોપી ત્યાં પહોંચ્યો અને તેના પર છરી વડે ઉપરાઉપરી હુમલા શરૂ કરી દીધા. પહેલાં વાર બાદ યુવતી લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે ઓફિસના મુખ્ય દરવાજા તરફ ભાગી હતી. જોકે, ઉન્માદી બનેલા આરોપીએ તેને ગેટ પાસે ફરી પકડી પાડી અને નિર્દયતાથી છરીના અસંખ્ય ઘા ઝીંકી દીધા. ઓફિસના અન્ય કર્મચારીઓ તેને બચાવવા માટે વચ્ચે આવ્યા હોવા છતાં સાયકો કિલર અટક્યો ન હતો અને સતત હુમલો કરતો રહ્યો હતો.
હૉસ્પિટલમાં દમ તોડ્યો, આરોપી વેન્ટિલેટર પર
ઘટના બાદ બંનેને ગંભીર હાલતમાં તાત્કાલિક ફોર્ટિસ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. મૃતકની ઓળખ પટિયાલાની રહેવાસી ડિમ્પલ તરીકે થઈ છે. જ્યારે હુમલાખોરની ઓળખ હરવિંદર સિંહ ઉર્ફે હેરી તરીકે થઈ છે, જેની સ્થિતિ હાલ અત્યંત નાજુક હોવાથી સારવાર હેઠળ છે.
3 વર્ષની દોસ્તી બાદ બ્રેકઅપ બન્યું હત્યાનું કારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડિમ્પલ અને હેરી બંને મોહાલીની એક પેકર્સ એન્ડ મૂવર્સ કંપનીમાં છેલ્લા 3 વર્ષથી સાથે કામ કરતા હતા. આ દરમિયાન તેમની વચ્ચે મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. જોકે, થોડા સમય પહેલાં જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.
બ્રેકઅપના કારણે હેરી માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે ડિમ્પલ સાથે ફરી સંબંધ સુધારવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ ડિમ્પલે ના પાડી દીધી હતી. સંબંધો પુનઃ સ્થાપિત ન થઈ શકતા હેરી ભારે આક્રોશ અને ગુસ્સામાં હતો અને તેણે ડિમ્પલની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો.
વિવાદ બાદ ભર્યું સનસનીખેજ પગલું
ગુરુવારે મોડી સાંજે આરોપી હેરી ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે હેરીએ પોતાની સાથે લાવેલી છરી કાઢીને ડિમ્પલ પર તૂટી પડ્યો. આ ભયાનક દ્રશ્ય જોઈને ઓફિસના અન્ય કર્મચારીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.
પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ શરૂ
મોહાલીના ફેઝ-11 પોલીસ સ્ટેશનના SHO અમન બૈદવાને જણાવ્યું કે: “પોલીસ કંટ્રોલ રૂમને ગુરુવારે સાંજે આશરે 7:40 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ત્યારબાદ ફોરેન્સિક ટીમને બોલાવીને ઘટનાસ્થળેથી જરૂરી તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.”
પોલીસે ગુનાવાળી જગ્યાને સીલ કરી દીધી છે અને ઓફિસના CCTV ફૂટેજ પણ પોતાના કબજામાં લઈ લીધા છે. મૃતક યુવતીના પરિવારજનોને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા બાદ પોલીસ આ મામલે મર્ડરનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.


Leave a Comment