INDIA Block Meeting 2026 : દેશમાં વિપક્ષ ફરી એકવાર એકજૂટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષી ગઠબંધન ‘INDIA’ બ્લોકે સોમવારે એક મહત્વની બેઠક બોલાવી છે. 8 જૂનના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં 23 રાજકીય પક્ષો હિસ્સો લેશે. જો કે, આ બેઠક શરૂ થાય તે પહેલા જ ગઠબંધનમાં ‘ગાબડું’ પણ નજરે પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) અને DMK સહિતના કેટલાક અગ્રણી પક્ષોએ આ બેઠકમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું કે, ‘8 જૂનની બેઠકમાં સામેલ થવા માટે 23 પક્ષોએ પોતાની સહમતિ દર્શાવી દીધી છે. જ્યારે કેટલાક પક્ષોએ પોતાના અંગત કારણોસર આ બેઠકમાં હાજર રહેવા અંગે અસમર્થતા જાહેર કરી છે.’
મમતા બેનર્જી દિલ્હી પહોંચ્યા
આ બેઠકમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રમુખ મમતા બેનર્જી દિલ્હી પહોંચી ગયા છે. બંગાળની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ છે. સોમવારે તેઓ ઇન્ડિયા બ્લોકની બેઠકમાં હાજરી આપશે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. એવું પણ કહેવાય છે કે મમતા બેનર્જી સોનિયા ગાંધીને પણ મળી શકે છે.
વિપક્ષની મીટિંગનો એજન્ડા શું છે?
ઇન્ડિયા બ્લોકની આ બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ બેઠકમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો કથિત દુરુપયોગ, મોંઘવારી અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘સરકાર તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે, અને કરોડો ભારતીયોની રોજીરોટીને નુકસાન પહોંચાડી રહી છે. સતત વધતી મોંઘવારી અને પેપર લીક જેવી ઘટનાઓથી લાખો યુવાનોની આકાંક્ષાઓ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ કેમ બનાવી દૂરી?
આ બેઠકથી આમ આદમી પાર્ટીએ પોતાને અલગ કરી લીધી છે. AAP નેતા સોમનાથ ભારતીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ પ્રાદેશિક અને નાના પક્ષોને નબળા પાડવા માટે ભાજપ (BJP) સાથે મળીને કામ કરી રહી છે, જેથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી દેશ પર શાસન કરી શકે. કોંગ્રેસના આવા બેવડા વલણને કારણે આમ આદમી પાર્ટીએ આ ગઠબંધનની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
DMK અને CPMએ પણ કોંગ્રેસને ઘેરી
ગઠબંધનના અન્ય મહત્વના પક્ષો દ્રમુક (DMK) અને CPI(M) એ પણ કોંગ્રેસ વલણની ટીકા કરી છે. તમિલનાડુ ચૂંટણી બાદ કોંગ્રેસ સાથેના સંબંધો વણસતા DMK એ 8 જૂનની વિપક્ષી ગઠબંધનની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. DMKના પ્રવક્તા સરવનન અન્નાદુરાઈએ જણાવ્યું કે, ‘અમે એવી જગ્યાએ રહેવા નથી માંગતા જ્યાં કોંગ્રેસ હાજર હોય. કોંગ્રેસ પીઠમાં છરો ભોંકનારો પક્ષ છે, જેમણે અમારા કાર્યકરોની મહેનત ચોરીને પોતાનો પક્ષ બદલી નાખ્યો.’
બીજી તરફ, CPI(M)ના નેતા હન્નાન મોલ્લાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘જો તમે નેતૃત્વ કરવા માંગતા હોવ તો તમારે બધાને સાથે લઈને ચાલવું પડશે. રાહુલ ગાંધી એક જગ્યાએ CPI(M) ની બુરાઈ કરે છે, તો બીજી જગ્યાએ DMK ની. જો તમે સહયોગી પક્ષોને જ ગાળો આપશો, તો તમારી સાથે કોણ રહેશે? કોંગ્રેસ નેતાઓમાં ગઠબંધન ચલાવવા માટે જરૂરી સમજણનો અભાવ છે.’



Leave a Comment