પાણીના
નમૂના સાથે રાખી ઉગ્ર રજૂઆત કરાઈ,
ગરમા ગરમી થઈ
પાણી
પુરવઠા સુપરવાઈઝર પાસે ચીફ ઓફિસરે ખુલાસો માંગ્યો, ફિલ્ટર પ્લાન્ટનો અહેવાલ મંગાવ્યો
સિહોર –
સૌરાષ્ટરનું છોટેકાશી ગણાતા સિહોર શહેરમાં પાણીની સમસ્યા હલ થવાનું
નામ જ લેતી નથી. વોર્ડ નં.૫માં અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં દૂષિત પાણીનું વિતરણ થતું
હોય, આખરે ગળે આવી ગયેલા રહિશોએ વિપક્ષના નેતાને સાથે રાખી ન.પા.
કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો.
સિહોરના
વોર્ડ નં.૫માં આવેલ જગદીશ્વરાનંદ સોસાયટીમાં ઘણાં સમયથી દૂષિત પાણીનું વિતરણ થતું હોવાના
કારણે લોકોના આરોગ્ય ઉપર અવળી અસર પડી રહી છે. આ બાબતે અવાર-નવાર રજૂઆત કરવા છતાં પાણી
પુરવઠા સુપરવાઈઝરે તેને ગણકારી ન હોવાથી આજે ગુરૃવારે સ્થાનિક રહેવાસીઓ અને વિપક્ષના
નેતા નગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. અહીં તેમણે વિતરણ થઈ રહેલા પાણીના નમૂના સાથે
ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરતા એક સમયે ગરમા ગરમી થઈ હતી. ત્યારબાદ ચીફ ઓફિસરે પાણી પુરવઠા
સુપરવાઈઝર દેહુરભાઈને બોલાવી ખુલાસો માંગ્યો હતો. તેમજ ફિલ્ટર પ્લાન્ટનો અહેવાલ પણ
મંગાવ્યો હતો. જળુંબમાંથી અપાતું પાણી બંધ કરવાની માંગણી સ્વીકારી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા
કરવા સૂચના આપી હતી.
વધુમાં
પાણી વિતરણનું નિશ્ચિત સમયપત્રક સિહોરવાસીઓને જાણ થાય તે રીતે જાહેર કરવા માંગ
કરાઈ હતી. હાલ સિહોરમાં પાણીના કકળાટ બાબતે એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા હજુ યથાવત હોય, લોકોમાં આક્રોશ જોવા
મળી રહ્યો છે.



Leave a Comment