Operation Childhood Freedom: ઉદ્યોગો અને કારખાનાઓમાં માસૂમ બાળકોને રાખી તેમનું શોષણ કરતા તત્ત્વો સામે રાજ્યની પોલીસે કમર કસી છે. રાજ્યભરમાં બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા એક વિશેષ રાજ્યવ્યાપી અભિયાન ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ, ‘દરેક બાળક શાળામાં હોવું જોઈએ, કોઈપણ બાળક મજૂરી કરતું ન હોવું જોઈએ.’
26 આરોપીઓ સામે ગુના દાખલ
અભિયાનની શરૂઆતના પ્રથમ 14 દિવસમાં જ પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. બાળકો પાસે ગેરકાયદે મજૂરી કરાવી ગુનો આચરતા તત્ત્વો સામે કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 કેસ નોંધીને 26 આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતના ટેક્સટાઇલ્સ કારખાનામાં દરોડો
આ અભિયાન અંતર્ગત સુરત શહેરના કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બાતમીના આધારે ‘જય અંબે ટેક્સટાઇલ્સ’ નામના કારખાના પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે બે માસૂમ બાળકોને મુક્ત કરાવ્યા હતા. કારખાનાનો માલિક બાળકોને આખો દિવસ કામ કરાવવા બદલ રોજનું માત્ર 200 રૂપિયા વેતન આપતો હતો.
બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી (11 કલાક) સખત કામ લેવાતું હતું અને માત્ર એક કલાકનો જમવાનો વિરામ મળતો હતો. જો બાળકો કામ કરવાની ના પાડે, તો તેમની સાથે બળજબરી કરવામાં આવતી હતી. પોલીસે આ બાળકોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરનાર કારખાના માલિક સામે ગુનો નોંધી, બાળકોનું રેસ્ક્યૂ કરી તેમના પુનર્વસન અને ફરી શાળાએ જવા માટેની વ્યવસ્થા કરી આપી છે.
મુક્તિથી પુનર્વસન સુધીની પ્રક્રિયા: DGP જી.એસ. મલિક
રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિકે આ અભિયાન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘આ અભિયાન માત્ર દરોડા પાડવા પૂરતું સીમિત નથી. અમારો હેતુ મુક્ત કરાયેલા બાળકોને નવી જિંદગી આપવાનો છે. અત્યાર સુધી રેસ્ક્યૂ કરાયેલા બાળકોમાંથી 67 બાળકોનું પુનર્વસન પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમાજમાં જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.’
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) શ્રી અજય ચૌધરીએ જણાવ્યું કે, ‘બાળમજૂરીના મોટાભાગના કિસ્સાઓ ટેક્સટાઇલ યુનિટો, હોટેલો, રાઇસ મિલો અને નાના ઉદ્યોગોમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે. મજૂરીમાંથી મુક્ત કરાયેલા ઘણા બાળકો બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસ આ મામલાઓમાં સંભવિત ‘ચાઇલ્ડ ટ્રાફિકિંગ’ (બાળ તસ્કરી)ના એન્ગલથી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.’
પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર, માત્ર બાળમજૂરો રાખનારા એકમો જ નહીં, પરંતુ બાળકો સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરો અને તેમની આખી સપ્લાય ચેઇનના નેટવર્કને તોડી પાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
5,000 બાળકોને મુક્ત કરવાનું ભગીરથ લક્ષ્ય
પ્રાથમિક વિશ્લેષણ અનુસાર, ગરીબી અને સ્થળાંતર બાળમજૂરી પાછળના મુખ્ય કારણો છે, વળી બાળમજૂરો સસ્તા પડતા હોવાથી ઉદ્યોગકારો તેમને રાખતા હોય છે. આ દૂષણને મૂળમાંથી ઉખાડવા માટે ગુજરાત પોલીસ શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ (CWC), શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ NGO સાથે સંકલન સાધીને કામ કરી રહી છે.
આ મેગા ડ્રાઇવ હેઠળ ગુજરાત પોલીસ આગામી સમયમાં 50,000થી વધુ સ્થળોએ સઘન તપાસ હાથ ધરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ ફેક્ટરી માલિકો અને વેપારીઓને બાળમજૂરી વિરોધી કાયદા અને શિક્ષણના મહત્ત્વ વિશે જાગૃત કરવા વિશેષ પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.


Leave a Comment