![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના આંચકા પચાવી પ્રત્યાઘાતી ઉંચકાયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઘટયા ભાવથી સુધારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઘટતા અટકી ફરી વધી આવ્યાના સમાચાર મળ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉંચકાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૧૪૯થી ૪૧૫૦ ડોલરવાળા વધી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૧૫૫થી ૪૧૫૬ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધતો અટકી ઘટાડા પર રહેતાં વૈશ્વિક સોનામાં ઘટયા મથાળે ફંડોની લેવાલી વધ્યાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૧.૧૩ થયા પછી નીચામાં આ ઈન્ડેક્સ ઘટી ૧૦૦.૭૦ થઈ ૧૦૦.૭૬ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૪૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૫૫૦૦ બોલાતા થયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૩૪૦૦૦ રહ્યા હતા.અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૭૦૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં ચાંદીના ભાવ સોના પાછળ ઔંસના ૬૪.૬૩થી ૬૪.૬૪ ડોલરવાળા વધી છેલ્લે ભાવ ૬૪.૯૦થી ૬૪.૯૧ ડોલર રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટકૂડના ભાવ બેરલદીઠ ૭૯.૬૮ વાળા વધી ૮૦.૮૧ ડોલર થઈ છેલ્લે ભાવ ૮૦.૫૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રુડના ભાવ ૭૬.૬૮ વાળા ઉંચામાં ૭૮.૩૬ થઈ ૭૭.૫૪ ડોલર રહ્યા હતા.
યુધ્ધ વખતે ક્રૂડના ભાવ વધી ઉંચામાં ૧૨૬થી ૧૨૭ ડોલર સુધી પહોંચ્યા હતા. દરમિયાન, અમેરિકા તથા ઈરાન વચ્ચે ન્યુકલીકર વિષયક વાટાઘાટો જે સ્વીઝર્લેન્ડમાં ં શરૂ થવાની હતી તે મુલતવી રહ્યાના સમાચાર મળ્યા હતા. આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૯૪.૩૩ વાળા વધી બંધ બજારે ૯૪.૪૭થી ૯૪.૪૮ બોલાઈ રહ્યા હતા.
દેશમાં ફોરેક્સ રિઝર્વ ઘટયાના સમાચાર વચ્ચે ડોલરના ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૬૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ત્રણ ડોલર વધી ૧૨૬૨થી ૧૨૬૩ ડોલર છેલ્લે રહ્યા હતા. દરમિયાન, હોર્મુઝ રુટ પર ઈરાન દ્વારા ઈન્સ્યોરન્સ ફી વસુલ કરાશે એવા નિર્દેશો મળ્યા હતા.


Leave a Comment