![]()
Free Aadhaar Email Update: આજના સમયમાં આધાર કાર્ડ દરેક સરકારી અને ખાનગી કામ માટે અનિવાર્ય બની ગયું છે, તેથી તેને અપડેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને UIDAI(યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા)એ આધાર ધારકોને મોટી રાહત આપી છે. UIDAIની જાહેરાત અનુસાર, 1 જુલાઈ 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી આધારમાં ઈમેઇલ આઇડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત રહેશે. હાલમાં આ સુવિધા માટે લોકોને 75 રૂપિયા ચૂકવવા પડે છે.
આધાર મોબાઇલ એપ દ્વારા મળશે આ ફ્રી સેવાનો લાભ
UIDAIના નિયમ મુજબ, આધાર કાર્ડમાં ઈમેઇલ આઇડી અપડેટ કે ચેન્જ કરવા માટે સામાન્ય રીતે GST સહિત 75 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. જોકે, આગામી 1 જુલાઈથી શરૂ થતાં 6 મહિના સુધી જો તમે ‘આધાર મોબાઇલ એપ'(Aadhaar Mobile App)નો ઉપયોગ કરીને ઈમેઇલ અપડેટ કરશો, તો આ સેવા તદ્દન ફ્રી રહેશે. પરંતુ ધ્યાનમાં રાખવું કે આ મફત સુવિધાનો લાભ માત્ર મોબાઇલ એપ દ્વારા જ મળશે; જો અન્ય કોઈ માધ્યમથી અપડેટ કરાવશો તો નિયત ચાર્જ ચૂકવવો પડશે.
આધાર સાથે ઈમેઇલ આઇડી લિંક હોવાના ફાયદા
આધાર કાર્ડ સાથે ઈમેઇલ આઇડી લિંક રાખવાથી સુરક્ષા અને સુવિધા બંને વધી જાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે આધાર સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ અને અપડેટ્સ સીધા તમારા ઈમેઇલ પર મળતા રહે છે. આ ઉપરાંત, જો કોઈ તમારા આધારનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય, તો તેની ચેતવણી તત્કાલ ઈમેઇલ પર આવી જાય છે. ઈમેઇલ લિંક હોવાને કારણે ભવિષ્યમાં આધાર નંબર કે એનરોલમેન્ટ આઇડી ખોવાઈ જાય તો તેને ઓનલાઇન ફરી મેળવવામાં પણ ઘણી સરળતા રહે છે.
તમારો ઈમેઇલ આધાર સાથે લિંક છે કે નહીં? આ રીતે કરો વેરિફાય
જો તમારું ઈમેઇલ આઇડી પહેલેથી જ આધાર સાથે જોડાયેલું હોય અને તમે તેને વેરિફાય કરવા માંગતા હોવ, તો UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો:
આ પણ વાંચો: 1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર!
– સૌથી પહેલા UIDAIની વેબસાઇટ પર જઈને ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો.
– ત્યાં આપેલા વિકલ્પોમાંથી ‘Verify Email/Mobile Number’ પસંદ કરો.
– ત્યારબાદ ‘Verify Email Address’ પર ક્લિક કરી, તમારો આધાર નંબર, ઈમેઇલ આઇડી અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખીને ‘Submit’ કરો.
– હવે તમારા ઈમેઇલ પર એક ઓટીપી (OTP) આવશે, તેને નિર્ધારિત ખાનામાં ભરીને ફરી સબમિટ કરો.
– આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા ઈમેઇલ પર ‘Aadhaar Authentication Successful’નો મેસેજ આવી જશે, જે દર્શાવે છે કે તમારો ઈમેઇલ વેરિફાય થઈ ગયો છે.


Leave a Comment