![]()
Kapil Dev On Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટના યુવા સનસની વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની અને આક્રમક બેટિંગના જોરે ખૂબ જ ઓછા સમયમાં ક્રિકેટ જગતમાં એક મોટું નામ બનાવી લીધું છે. હવે આ 15 વર્ષીય ડેશિંગ બેટ્સમેનની ભારતીય સીનિયર ટીમમાં પણ પસંદગી થઈ ચૂકી છે. વૈભવને આગામી આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટેની T20 શ્રેણીમાં સ્થાન મળ્યું છે, જ્યાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. વૈભવની આ અસાધારણ પ્રતિભા જોઈને પૂર્વ ભારતીય કૅપ્ટન કપિલ દેવે તેની પ્રશંસા કરી છે, પરંતુ સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે તેની સરખામણીને લઈને એક મહત્ત્વની સલાહ પણ આપી છે.
તૂટી શકે છે સચિન તેંડુલકરનો ઐતિહાસિક રૅકોર્ડ
જો વૈભવ સૂર્યવંશી આ પ્રવાસ પર પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવીને ડેબ્યૂ કરે છે, તો તે ભારત તરફથી સૌથી ઓછી ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો ખેલાડી બની જશે અને સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રૅકોર્ડ તોડી નાખશે. સચિને વર્ષ 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, સચિનની એ ઐતિહાસિક ડેબ્યૂ મેચમાં 1983 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ પોતે ‘પ્લેયર ઑફ ધ મેચ’ રહ્યા હતા.
કપિલ દેવે શું કહ્યું વૈભવના ભવિષ્ય વિશે?
67 વર્ષીય દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વૈભવ ચોક્કસપણે એક સ્પેશિયલ ટેલેન્ટ છે, પરંતુ અત્યારથી તેના ભવિષ્યની મોટી આગાહીઓ કરવી ઉતાવળભર્યું ગણાશે. આ વિશે કપિલ દેવે કહ્યું કે, “વૈભવ હજી ખૂબ નાનો છે. પરંતુ હા, તે એક ખાસ પ્રતિભા છે. તે 15 વર્ષનો છોકરો છે અને અત્યારે તેની પાસે જે કંઈ છે, તે માત્ર ક્રિકેટ જ છે. જ્યારે તે 20-22 વર્ષનો થઈ જશે ત્યારે જ અમે તેનું સાચું મૂલ્યાંકન કરી શકીશું. જોકે, એ વાતમાં કોઈ શંકા નથી કે તેની પાસે અસાધારણ પ્રતિભા છે. તે 16 વર્ષના સચિન જેવો જ દેખાય છે. પરંતુ શું તે સચિનની જેમ 24 વર્ષ જેટલો લાંબો સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે? તેને હજી ખૂબ લાંબી સફર કાપવાની છે.”
કપિલ દેવને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ વૈભવને કોઈ ખાસ મેસેજ આપવા માંગે છે, ત્યારે તેમણે હસતા મુખે કહ્યું, “હું આખી ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું. આ માત્ર તેના એકલા માટે નહીં, પરંતુ સમગ્ર ટીમ અને તેના દરેક સભ્ય માટે છે. વૈભવ પણ હવે આ મહાન ટીમનો જ એક ભાગ છે.”
વૈભવ સૂર્યવંશીનો આંકડાકીય આતંક: IPLથી લઈને અંડર-19 સુધી મચાવી ધમાલ
વૈભવ સૂર્યવંશીએ તાજેતરના સમયમાં રમેલી કેટલીક અદ્ભુત ઇનિંગ્સ તેના સુવર્ણ ભવિષ્યની સાક્ષી પૂરે છે:
• IPL 2026નો કિંગ: આ વર્ષે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 16 ઇનિંગ્સમાં 237.30ના અવિશ્વસનીય સ્ટ્રાઇક રેટ સાથે કુલ 776 રન ફટકારીને ઑરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સીઝનમાં તેને ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ સહિત કુલ 5 મોટા ઍવૉર્ડ્સ મળ્યા હતા. તે આઇપીએલમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ છે.
• અંડર-19 વર્લ્ડ કપ હીરો: વૈભવે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં રૅકોર્ડ બ્રેકિંગ 175 રનની તોફાની ઇનિંગ્સ રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.
• વર્લ્ડ રૅકોર્ડ ઇનિંગ્સ: તાજેતરમાં શ્રીલંકા સામે યોજાયેલી વન-ડે ટ્રાઇ સિરીઝની ફાઇનલમાં ઇન્ડિયા A તરફથી રમતાં તેણે માત્ર 29 બોલમાં 94 રન ઝૂડી કાઢ્યા હતા. આ દરમિયાન તેણે માત્ર 11 બોલમાં હાફ સેન્ચુરી ફટકારીને લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં એક નવો વર્લ્ડ રૅકોર્ડ સ્થાપિત કર્યો હતો.
ટીમ ઇન્ડિયાનું આગામી શિડ્યૂલ
હવે ચાહકોની નજર ભારતીય ટીમના આગામી વિદેશ પ્રવાસ પર ટકેલી છે. ભારતને 26 જૂનથી આયર્લૅન્ડ સામે 2 T20 મેચોની સિરીઝ રમવાની છે, ત્યારબાદ 1 જુલાઈથી ઇંગ્લૅન્ડ સામે 5 T20 મેચોની હાઇ-વોલ્ટેજ શ્રેણી શરૂ થશે. જોવાનું એ રહેશે કે વૈભવને કઈ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળે છે.


Leave a Comment