વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા ભારતીય શેરબજારમાંથી નાણાંની સતત ઉપાડ પ્રક્રિયા ચાલુ રહી છે. જૂન મહિનામાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી કુલ ₹49,340 કરોડની વેચવાલી કરી છે. મુખ્ય કારણોમાં વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, વિકસિત બજારોને પ્રાથમિકતા, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.
ગયા વર્ષ કરતા વધુ છે આંકડો
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડના આંકડા મુજબ, 2026માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી કુલ ₹2.7 લાખ કરોડ ઉપાડી લીધા છે, જે 2025 દરમિયાન થયેલી ₹1.66 લાખ કરોડની કુલ વેચવાલી કરતાં પણ વધુ છે. આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરી સિવાય 2026ના તમામ મહિનાઓમાં FPI નેટ સેલર રહ્યા છે.
માર્ચમાં મોટાપાયે ભારે વેચવાલી જોવા મળી
જાન્યુઆરીમાં ₹35,962 કરોડની વેચવાલી થઈ હતી, જ્યારે ફેબ્રુઆરીમાં ₹22,615 કરોડનું રોકાણ થયું હતું, જે છેલ્લા 17 મહિનામાં સૌથી વધુ માસિક રોકાણ હતું. જોકે, માર્ચમાં ફરી મોટાપાયે ₹1.17 લાખ કરોડની ભારે વેચવાલી જોવા મળી. એપ્રિલમાં ₹60,847 કરોડ અને મેમાં ₹32,963 કરોડની ઉપાડ સાથે દબાણ યથાવત્ રહ્યું.
અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો
જૂનના પ્રથમ પખવાડિયામાં વૈશ્વિક જોખમથી બચવા માટે રોકાણકારોએ વેચવાલી વધારી હતી. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને ભારતીય બજારના મૂલ્યાંકન અંગે ચિંતા પણ મુખ્ય કારણો રહ્યા. જોકે, મહિનાના અંત ભાગમાં આંતરરાષ્ટ્રીય તણાવ ઘટતા અને ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થતા બજારમાં થોડી સ્થિરતા જોવા મળી, જેના કારણે વેચવાલીની ગતિ ઘટી હતી, પરંતુ અગાઉના ભારે ઉપાડની ભરપાઈ થઈ શકી નથી.
આ પણ વાંચો : LIC અને હિન્દુસ્તાન ઝિંકમાં સરકાર વેચશે પોતાનો હિસ્સો? 15,000 કરોડ એકત્ર કરવાનું છે લક્ષ્ય
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
Leave a Comment