જામનગર-રાજકોટ હાઈવે પર આવેલી જાણીતી માનસી હોટેલ પાછળ આવેલા એક ગુપ્ત ગોડાઉન પર સ્થાનિક પોલીસે ઓચિંતો દરોડો પાડીને બૂટલેગરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ બ્રાન્ડની કુલ 19,522 બોટલ વિદેશી દારૂ અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ત્રણ વાહનો મળીને કુલ 53,78,517નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે એક વાહનચાલકની રંગેહાથ ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 10 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ગોડાઉનનો કબજો ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર પાસે હોવાનો ઘટસ્ફોટ
પોલીસની પ્રાથમિક અને ઊંડાણપૂર્વકની તપાસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, જે ગોડાઉનમાંથી આટલો મોટો દારૂનો જથ્થો પકડાયો છે, તે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 9ના ભાજપના સત્તાધારી મહિલા કોર્પોરેટર મંજુલાબેન નરસિંહભાઈ બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયાના કબજામાં હતું. દારૂના આ મોટા નેટવર્ક પાછળ મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકે શાસક પક્ષના આ મહિલા નેતાના પુત્રનું જ નામ સામે આવતાં સમગ્ર જામનગર શહેર અને પંથકના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મુખ્ય સૂત્રધાર વાંગો હિસ્ટ્રીશીટર: હત્યા અને ધાડ સહિત 19 ગંભીર ગુના
આ સમગ્ર કેસનો મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા જામનગરમાં સતીષા પીરની દરગાહની બાજુમાં રાજપાર્ક વિસ્તારમાં રહે છે. પોલીસ રેકોર્ડ અનુસાર, આરોપી વાંગો રીઢો ગુનેગાર છે અને તેની સામે અત્યાર સુધીમાં 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 2 હત્યા, 2 હત્યાના પ્રયાસ, 5 જીવલેણ મારામારી, 4 દારૂબંધી (પ્રોહિબિશન), 1 ધાડ પાડવાની પૂર્વ તૈયારી, 1 જેલ નિયમ/જાહેરનામા ભંગ (પ્રિઝન એક્ટ), 2 જાનમાલને નુકસાન પહોંચાડવાના અને 1 કેફી પ્રવાહી પીધેલી હાલતના ગુનાનો સમાવેશ થાય છે. આટલો ગુનાહિત ઇતિહાસ હોવા છતાં રાજકીય પીઠબળ હેઠળ તે દારૂનો કાળો કારોબાર ચલાવતો હતો.

દારૂના કટિંગ વેળાએ જ ત્રાટકી પોલીસ
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે માનસી હોટેલ પાછળ આવેલા ગોડાઉનમાં અન્ય રાજ્યમાંથી દારૂનો મોટો જથ્થો ઉતારીને તેનું સ્થાનિક વાહનોમાં કટિંગ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ગોડાઉન બહાર બે અશોક લેલેન્ડ પીકઅપ અને એક ટાટા છોટા હાથીમાં દારૂનું લોડિંગ ચાલતું હતું. પોલીસે પીકઅપ ડ્રાઇવર ધર્મેશ નવલભાઈ યાજ્ઞિક (ઉં.વ. 37, રહે. નવાગામ ઘેડ, જામનગર) ને ઝડપી લીધો હતો. તલાશી દરમિયાન 40,68,517ની કિંમતની 19,522 દારૂની બોટલો, અશોક લેલેન્ડ બડા દોસ્ત (GJ 10 TY 1965), અશોક લેલેન્ડ દોસ્ત (GJ 10 TX 6472), ટાટા છોટા હાથી (GJ 10 TX 7053) અને મોબાઇલ મળી કુલ 53.78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
સ્થાનિક બુટલેગરો સુધી સપ્લાય પહોંચાડવાનો હતો પ્લાન
પકડાયેલા ચાલક ધર્મેશ યાજ્ઞિકની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે દારૂનો આ મોટો જથ્થો હિતેશ ઉર્ફે વાંગાએ બહારથી મંગાવ્યો હતો અને ગોડાઉનમાંથી અલગ કરીને સ્થાનિક છૂટક બુટલેગરો સુધી પહોંચાડવાની યોજના હતી. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયા, સુનીલ ઉર્ફે ભૂતી દોણાસીયા, સુનીલ બારૈયા, દિલીપ, મેરૂ રામા રબારી (ભાણવડ), યોગેશ કોળી, રાહુલ રેશીયા, વીમલો ડોડારો, રોહિત કોળી અને જીગો સોલંકી ખવાસ સામે ગુનો નોંધી તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



