GUJARAT

ગાંધીનગરમાં 7 વર્ષના બાળકનું તળાવમાં પડી જવાથી મોત, લોકોનો તંત્ર સામે રોષ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની બેદરકારી ફરીથી સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં એક આધેડ ગટરમાં પડી જતાં મોતને ભેટ્યો હતો. હવે આવો જ દુઃખદ બનાવ ગાંધીનગરમાંથી પણ સામે આવ્યું છે. મંગળવારે (1 જુલાઈ) ગાંધીનગરમાં સાત વર્ષના બાળકે એક કૃત્રિમ તળાવમાં પડી જવાથી જીવ ગુમાવ્યો છે, જે મનપા દ્વારા બનાવાયું હતું.

શું બની ઘટના?

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-1માં નગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે એક નાનકડું કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ બેરિકેડિંગ કે ફેન્સિંગ કરવામાં નહોતી આવી.

સોમવારે સાંજે (30 જૂન), કુલદીપ નામનો સાત વર્ષનો બાળક પોતાની સાઇકલ લઈને તળાવની આસપાસ જાય છે ત્યારે તેનો પગ લપસતા તે પાણીમાં પડી જાય છે. ભારે વરસાદના કારણે તળાવમાં ઊંડું પાણી ભરાયું હોવાથી બાળક ડૂબી જાય છે. આખી રાત શોધખોળ બાદ મંગળવારે વહેલી સવારે સ્થાનિકોએ બાળકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

લોકોમાં શોક અને ગુસ્સો

આ ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારજનો દુઃખમાં ડૂબેલા છે અને સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવા બનાવો બની રહ્યા છે, ત્યારે હજુ આગળ કેટલાં જીવ તંત્રની આ બેદરકારીની ભેટ ચઢશે?

તંત્રના દાવાઓ અને મેયરની પ્રતિક્રિયા

ઘટનાને લઈને મેયર મીરા પટેલે નિવેદન આપ્યું કે, “આ એક દુર્ઘટના છે, જે મનપાની બેદરકારીને કારણે નથી થઈ. તળાવના આસપાસ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ હાજર હોય છે. તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે.” પરંતુ મેયરની આ વાતને લઈને લોકોમાં સંશય છે અને એ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો બધું યોગ્ય હતું તો પછી આવી દુર્ઘટનાઓ કેમ બની રહી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button