અમદાવાદના ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી

અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બુધવાર, 25 જૂનની વહેલી સવારે અચાનક બેરલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસનો માર્ગ પણ બંધ કરવો પડ્યો હતો. જો કે, આગના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હાલ સુધી આવ્યા નથી.
આગના સમયે હાલત શું હતી?
પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે માર્કેટ વિસ્તારમાં આગની ભિષણતા એટલી વધી ગઈ કે આગ રોડ સુધી પહોચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની પાંચ ટીમો અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (AFES) ની ટીમે ઝડપી અને સુસજ્જ કામગીરી દ્વારા ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
અત્યારે સ્થિતિ નિયંત્રણમાં
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને સવારે આગ અંગેનો ફોન મળતાની સાથે જ પાંચ ફાયર ફાઇટર વ્હીકલ ઘટનાસ્થળે મોકલ્યાં. અમારું પોઈન્ટ-ટૂ-પોઈન્ટ આયોજન કામ આવી ગયું અને ટૂંક સમયમાં આગ કાબૂમાં આવી ગઈ.” હાલના પગલે કોઈ વ્યક્તિને ઇજા થઈ હોવાની કે જાનહાનિ થયાની પુષ્ટિ નથી.
આગનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તારણો અનુસાર આગનું કારણ ત્યાં રહેલી દહનશીલ સામગ્રી હોઈ શકે તેમ જણાઈ રહ્યું છે, જોકે, આગ શા કારણે લાગી તેનો સચોટ જવાબ તપાસ પછી જ મળી શકશે. ફાયર વિભાગે જણાવ્યું છે કે હાલ તમામ સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.