અમદાવાદમાં ડમ્પરચાલકે 25 વર્ષના યુવકને ઉડાવ્યો; એકના એક દીકરાના મોતથી માતા-પિતાનું હૈયાંફાટ રુદ્દન

અમદાવાદ શહેરમાં ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શીલજ બ્રિજ પર બાઈક પર જતા યુવકને ડમ્પરે અડફેટે લીધો હતો. જેમાં 24 વર્ષીય ઉમંગ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પરચાલક બન્યો કાળ…
ઘાટલોડિયામાં રહેતો 25 વર્ષીય ઉમંગ પટેલ પોતાની બહેનની ઘરે તેનું સ્પ્લેન્ડર બાઇક લઈને શીલજ ખાતે જમવાનું લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન શીલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો.
રોડ પર પડવાના કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જે બાદ આ અંગે 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે તે યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
માતાપિતાનો ઘડપણનો સહારો છીનવાયો
આ ઘટના બાદ ગંભીર ઇજા થવાના કારણે ઉમંગનું સ્થળ પર જ મોત થયું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર ઊભું રખાવી ડમ્પરચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો. બનાવની જાણ થતા ઉમંગનાં માતા-પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતાં. બોપલ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેમજ આ યુવકના પરિવારમાં આ બનાવ બનતા તેના માતાપિતા તથા પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે.