રસ્તા બંધ, અવરજવર જોખમભરી; તંત્રને વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ નહીં, ચોમાસા પહેલાં ઉકેલની માંગ.
વાવ–થરાદ પંથકના લેડાઉ ગામમાં પૂર બાદ સર્જાયેલી સમસ્યાઓ આજે પણ યથાવત જોવા મળી રહી છે. છેલ્લા લગભગ આઠ મહિનાથી ગામના ગુંદરે, તળાવો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલું રહેતાં ગ્રામજનોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાઈ જતાં ગામથી ખેતરોમાં જવાનો તેમજ આજુબાજુના ગામોમાં જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અસરગ્રસ્ત બન્યો છે. રસ્તો કાચો અને ખાડાઓથી ભરેલો હોવાથી લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.
મોટી વાહન વ્યવહાર તો અશક્ય બની ગયો છે, જ્યારે સામાન્ય અવરજવર પણ જોખમભરી બની ગઈ છે. અનેક વખત લોકોને પાણીમાં થઈને જ પસાર થવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘાસચારો લાવવો હોય, ખેતરમાં જવું હોય કે કોઈ તાત્કાલિક કામ માટે ગામ બહાર જવું હોય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં ગામના લોકોએ પોતે ફાળો એકત્રિત કરી ટ્રોલીઓ ઠાલવીને રસ્તો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આ કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હોવાનું ગ્રામજનો કહે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓ સ્થળ પર આવ્યા હોવાના દાવા પણ થયા છે,
છતાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. હવે ચોમાસું નજીક આવતાં ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે.
જો સમયસર પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામજનો તંત્ર અને સરકારને તાત્કાલિક પગલાં લઈને પાણીના નિકાલ અને રસ્તાની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.




Leave a Comment