ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, ચેન્નઈથી યુવતીની ધરપકડ

ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપનાર એક યુવતીને ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીની ઓળખ રેની જોસિલ્ડા તરીકે કરવામાં આવી છે, જે 2022થી ચેન્નઈમાં ડેલોઇટ USI કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી.
ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પકડાઈ
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકના આધારે રેની જોસિલ્ડાને ટ્રેસ કરી હતી. આરોપીએ જાતને છુપાવવા માટે મલ્ટિપલ VPN, નકલી EmailID અને ડાર્ક વેબનો સહારો લીધો હતો. તે દ્વારા સરખેજની જિનિવા લિબરલ સ્કૂલ, બોપલની દિવ્ય જ્યોત સ્કૂલ, અસારવાની BJ મેડિકલ કોલેજ અને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અનેક મહત્વના સ્થળોએ બોમ્બ ધમકીભર્યા ઈમેઈલ મોકલાયા હતા. કુલ મળીને 21થી વધુ એવા ઈમેઈલ્સ મોકલવામાં આવ્યા હતા.
પોલીસ ઊંઘી રહી છે
3 જૂન, 2025ના રોજ સવારે 10:58 વાગે રેનીએ “divijprabhakara0@gmail.com” નામની EmailID પરથી જિનિવા લિબરલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ મોકલ્યો હતો. એમાં તેણે લખ્યું હતું કે, “પોલીસ ઊંઘી રહી છે, તેમને કોઈ ખ્યાલ નથી કે તપાસ કેવી રીતે કરવી. જો બાળકો મરશે તો જ એ સક્રિય બનશે.” તેણે હૈદરાબાદની એક દુષ્કર્મ પીડિતા પ્રત્યે પોલિસના અસંવેદનશીલ વ્યવહારની તરફેણમાં આ ધમકી આપ્યાનું પણ જણાવ્યું હતું.
સાયબર ટૂલ્સ છતાં પકડાઈ
પોલીસના જણાવ્યા મુજબ જોસિલ્ડા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને સાયબર ટૂલ્સ તથા સોશિયલ એન્જિનિયરિંગમાં નિષ્ણાત છે. તેણે પોતાના ઇન્ટરનેટ ફૂટપ્રિન્ટ્સ હટાવવા માટે ડાર્ક વેબ, નકલી Gmail એકાઉન્ટ્સ અને વિવિધ ટેકનિકલ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. છતાં, તેની ઑનલાઇન એક્ટિવિટીના વિસ્લેષણમાં ભેદ ઉકેલી લેવાયો.
વધુ તપાસ ચાલુ
પોલીસે અત્યારસુધીમાં જોસિલ્ડાના 21 ઈમેઈલ્સ ટ્રેસ કર્યા છે અને આ મામલે અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલી છે કે કેમ એ અંગે પણ તપાસ ચાલુ છે. આરોપી સાથે કોઈ સંગઠનનો અથવા આંતરરાષ્ટ્રીય કનેક્શન છે કે નહિ, તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.