9April 1 new rules india : દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઇંધણના ભાવની સમીક્ષા કરે છે. 1 એપ્રિલ 2026થી LPG સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે,
જેને પગલે LPGની તીવ્ર અછત સર્જાઈ છે. આ સ્થિતિમાં તેલ કંપનીઓ રાંધણ ગેસના ભાવમાં વધારો કરીને મોંઘવારીનો આંચકો આપી શકે છે. માત્ર ઘરેલું ગેસ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ઇંધણ (ATF) અને વાહનોમાં વપરાતા CNG-PNGના દરોમાં પણ ફેરફાર થવાની પૂરી શક્યતા છે.
દેશની કર પ્રણાલીમાં 1 એપ્રિલથી સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષ 1961થી અમલમાં રહેલા જૂના આવકવેરા કાયદાનું સ્થાન હવે ‘આવકવેરા કાયદો, 2025’ લેશે. સરકારનો ઉદ્દેશ્ય કર પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો છે.
આ નવા કાયદા હેઠળ, અત્યાર સુધી ITR ફાઇલ કરવા માટે અનિવાર્ય ગણાતું ફોર્મ 16 હવે બંધ થઈ જશે. તેના સ્થાને કરદાતાઓને એક નવું ફોર્મ આપવામાં આવશે જે આવકના દસ્તાવેજ તરીકે માન્ય રહેશે.
તેવી જ રીતે, પગાર સિવાયની આવક (જેમ કે વ્યાજ કે ભાડું) માટે વપરાતા ફોર્મ 16Aનું નામ બદલીને હવે ફોર્મ 131 કરવામાં આવશે. નિયમ મુજબ, ત્રિમાસિક TDS સ્ટેટમેન્ટ જારી થયાના 15 દિવસમાં આ ફોર્મ જારી કરવું ફરજિયાત રહેશે.
જો તમારું ખાતું HDFC, પંજાબ નેશનલ બેંક (PNB) કે બંધન બેંકમાં હોય, તો તમારા માટે બેંકિંગ વ્યવહારો મોંઘા થઈ શકે છે.
HDFC બેંક: હવેથી UPI દ્વારા કરવામાં આવતા એટીએમ ઉપાડને પણ ‘ફ્રી એટીએમ લિમિટ’માં ગણવામાં આવશે. જો તમે મર્યાદા કરતા વધુ વ્યવહાર કરશો, તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.
PNB: બેંકે ડેબિટ કાર્ડની કેટેગરી મુજબ દૈનિક રોકડ ઉપાડની મર્યાદા ઘટાડીને 50,000 થી 75,000 રૂપિયાની વચ્ચે કરી દીધી છે.
બંધન બેંક: મેટ્રો શહેરોમાં માત્ર 3 અને અન્ય વિસ્તારોમાં 5 મફત વ્યવહારો મળશે. મર્યાદા બાદ 23 રૂપિયા ચાર્જ લાગશે. વધુમાં, જો ખાતામાં બેલેન્સ ઓછું હોય અને એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ જશે, તો 25 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
PAN કાર્ડ મેળવવાના નિયમો થશે કડક
1 એપ્રિલ 2026થી પાન કાર્ડ (PAN Card) સંબંધિત નિયમોમાં પણ ધરખમ ફેરફાર અપેક્ષિત છે. હવે માત્ર આધાર કાર્ડના આધારે પાન કાર્ડ મેળવવું કે અપડેટ કરવું સરળ રહેશે નહીં. નવા નિયમો હેઠળ અરજદારે આધાર સિવાયના અન્ય પૂરક દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. સરકારે આદેશ આપ્યો છે કે નવા નિયમો લાગુ થાય તે પહેલા જૂની તમામ બાકી અરજીઓનો નિકાલ કરવામાં આવે. આ પગલાથી પાન કાર્ડની સુરક્ષા અને અધિકૃતતા વધારવાનો સરકારનો પ્રયાસ છે.
રેલ્વે ટિકિટ કેન્સલેશન મોંઘું પડશે
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે 1 એપ્રિલથી ખરાબ સમાચાર છે. રેલ્વેએ ટિકિટ રદ કરવાના નિયમો સખત બનાવ્યા છે. હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા જો તમે કન્ફર્મ ટિકિટ કેન્સલ નહીં કરો, તો કોઈ પણ રિફંડ મળશે નહીં. અગાઉ આ મર્યાદા 4 કલાકની હતી.
8 થી ૨૪ કલાક પહેલા: 50% રિફંડ મળશે.
24 થી 72 કલાક પહેલા: 25% રકમ કાપી લેવામાં આવશે.
72 કલાકથી વધુ સમય પહેલા: મહત્તમ રિફંડની સુવિધા મળશે.
નાણાકીય શિસ્ત અને ડિજિટલ વ્યવહારો પર વધુ ભાર
આમ, ટ્રેન ઉપડવાના છેલ્લા 8 કલાકમાં ટિકિટ કેન્સલ કરાવવી મુસાફરોને આર્થિક રીતે ભારે પડશે. 1 એપ્રિલથી અમલી બનતા આ ફેરફારો દર્શાવે છે કે સરકારે નાણાકીય શિસ્ત અને ડિજિટલ વ્યવહારો પર વધુ ભાર મૂક્યો છે.


Leave a Comment