Graduate unemployment india : રિપોર્ટના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે વર્ષ 2004 થી 2023 દરમિયાન ભારતમાં દર વર્ષે સરેરાશ 50 લાખ નવા ગ્રેજ્યુએટ્સ જોબ માર્કેટમાં ઉમેરાયા હતા. તેની સામે માત્ર 28 લાખ યુવાનોને જ રોજગારી મળી શકી છે.
એટલે કે લગભગ અડધા જેટલા ગ્રેજ્યુએટ્સ દર વર્ષે બેરોજગારીની યાદીમાં સામેલ થાય છે. વર્ષ 2023 સુધીના ડેટા મુજબ, 20 થી 29 વર્ષની વયના આશરે 1.1 કરોડ ગ્રેજ્યુએટ્સ બેરોજગાર હતા. વધુમાં, આ બેરોજગાર ગ્રેજ્યુએટ્સમાંથી માત્ર 7 ટકા લોકો જ એક વર્ષના ગાળામાં સ્થાયી નોકરી મેળવવામાં સફળ રહ્યા છે.
ખેતીવાડી ક્ષેત્રે વધ્યું ભારણ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર નિષ્ફળ
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં 8.3 કરોડ નોકરીઓ ઉમેરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેની પાછળની વાસ્તવિકતા અલગ છે. આમાંથી લગભગ 4 કરોડ નોકરીઓ કૃષિ ક્ષેત્રમાં ઉભી થઈ છે, જે સામાન્ય રીતે ઓછી આવક અને અનિશ્ચિતતાવાળી હોય છે.
બીજી તરફ, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પાસેથી રોજગારીના સર્જનની મોટી અપેક્ષાઓ હતી, તે સેક્ટર ગ્રેજ્યુએટ્સને સમાવવામાં નિષ્ફળ રહ્યું છે. દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા 1,644 થી વધીને 70,000 થી વધુ થઈ ગઈ છે, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને ઉદ્યોગોની માંગ વચ્ચે મોટી ખાઈ જોવા મળી રહી છે.
ભારતમાં ‘ગ્રેજ્યુએટ અર્નિંગ પ્રીમિયમ’નો અભાવ
સામાન્ય રીતે વિકસિત દેશોમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ જેટલું વધુ ભણે એટલી તેની કમાણી વધુ હોય, જેને ‘ગ્રેજ્યુએટ અર્નિંગ પ્રીમિયમ’ કહેવાય છે. પરંતુ ભારતમાં સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. અભ્યાસ મુજબ, ઘણી જગ્યાએ ડિગ્રી ન ધરાવતા વ્યક્તિઓ ડિગ્રીધારીઓ કરતા વધુ કમાણી કરી રહ્યા છે.
ભણેલા યુવાનોનો સીધો મુકાબલો અકુશળ શ્રમિકો સાથે થઈ રહ્યો છે, જેના કારણે વેતન સ્તર નીચું જઈ રહ્યું છે. આ પરિસ્થિતિ સૂચવે છે કે માત્ર ડિગ્રી મેળવવી એ હવે વધુ કમાણીની ગેરંટી રહી નથી.


Leave a Comment