લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

World Bank India : વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં ભારતની ગરીબી અંગે મોટો ખુલાસો! 49.6 કરોડ લોકોના જીવનમાં આવ્યો મોટો બદલાવ!

by

Thenewsdk

Updated: 30-10-2026, 04.24 PM

Follow us:

તાજેતરના અહેવાલ અનુસાર, વર્ષ 2011થી 2023 વચ્ચેના 12 વર્ષના ગાળામાં ભારતમાં અત્યંત ગરીબીના દરમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011માં દેશની 27.1 ટકા વસ્તી અત્યંત ગરીબ હતી, જે વર્ષ 2023 સુધીમાં ઝડપથી ઘટીને માત્ર 2.6 ટકા પર આવી ગઈ છે. જોકે, માથાદીઠ આવકના મોરચે હજુ પણ ભારતને લાંબી મજલ કાપવાની જરૂર છે, કારણ કે 2023 સુધીમાં આશરે 7.5 કરોડ લોકો એવા હતા જેમની દૈનિક આવક 3 ડોલર કરતાં ઓછી હતી.

12 વર્ષમાં 49.6 કરોડ લોકો ગરીબીની જાળમાંથી મુક્ત થયા
વિશ્વ બેન્કે ભારતમાં ગરીબીનું આકલન કરવા માટે મુખ્યત્વે બે આંતરરાષ્ટ્રીય માપદંડોનો ઉપયોગ કર્યો છે. પ્રથમ માપદંડ દૈનિક 3 ડોલરની આવકનો છે, જે 2021ની પરચેઝિંગ પાવર પેરિટી (PPP) આધારિત અતિ ગરીબી દર્શાવે છે. બીજો માપદંડ દૈનિક 4.20 ડોલરની આવકનો છે, જે ભારત જેવા લોઅર-મિડલ ઇન્કમ ધરાવતા દેશો માટે લાગુ પડે છે. 4.20 ડોલરના માપદંડ મુજબ ભારતમાં ગરીબીનો દર 2011માં 57.7 ટકા હતો, જે 2023માં ઘટીને 16.1 ટકા નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, 12 વર્ષમાં દેશના આશરે 49.6 કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી સફળતાપૂર્વક બહાર નીકળ્યા છે.

ગરીબી ઘટવા પાછળના ત્રણ મુખ્ય પરિબળો
અહેવાલ અનુસાર આ સફળતા પાછળ ત્રણ પરિબળો નિર્ણાયક રહ્યા છે. નાગરિકોના ઘરેલું વપરાશ અને ખર્ચમાં વધારો, રોજગારીની તકોમાં વૃદ્ધિ અને ત્રીજુ છે સરકારી કલ્યાણકારી યોજનાઓની છેવાડાના માનવી સુધી પહોંચ. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિનામૂલ્યે અનાજ વિતરણ, પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા અને સબસિડી જેવી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓએ મહત્વનો આધાર આપ્યો છે. વધુમાં, 2017થી 2023 વચ્ચે અર્થતંત્રમાં આશરે 13.4 કરોડ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જે કાર્યકારી વયજૂથની વસ્તીમાં થયેલા વધારા કરતાં બમણી છે.

ગ્રામીણ મહિલાઓની ભાગીદારી અને ગ્રામીણ ભારતની બદલાતી સ્થિતિ
ગરીબી ઘટાડવામાં ગ્રામીણ મહિલાઓની આર્થિક પ્રવૃત્તિઓમાં વધતી સક્રિયતા ગેમચેન્જર સાબિત થઈ છે. સ્વસહાય જૂથો (SHGs) અને સ્થાનિક રોજગારી દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓ આવક મેળવતી થઈ છે, જેનાથી પરિવારોની કુલ કમાણી વધી છે. શહેરોની સરખામણીએ ગામડાઓમાં ગરીબી ઘટવાની ગતિ વધુ ઝડપી રહી છે, જેથી ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત ઘટ્યો છે. આમ છતાં, 4.20 ડોલરના માપદંડ અનુસાર ગામડાઓમાં હજુ 19.3 ટકા લોકો ગરીબીમાં જીવે છે, જ્યારે શહેરોમાં આ પ્રમાણ 8.6 ટકા છે.

યુપીથી બંગાળ સુધીના પટ્ટામાં હજુ પણ ગરીબીનો મોટો હિસ્સો
દેશભરમાં ગરીબી ઘટી હોવા છતાં તેનું ભૌગોલિક કેન્દ્રીકરણ ચિંતાનો વિષય છે. વિશ્વ બેન્કના તારણ મુજબ, દેશના કુલ ગરીબોમાંથી આશરે 57 ટકા ગરીબ વસ્તી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા પૂર્વીય રાજ્યોના પટ્ટામાં કેન્દ્રિત છે. આગામી સમયમાં ગરીબી સામેની લડાઈ જીતવા માટે આ રાજ્યોમાં મોટા પાયે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઔદ્યોગિક રોજગારી ઊભી કરવી સૌથી અનિવાર્ય રહેશે.

શિક્ષણનો અભાવ અને આર્થિક અસમાનતા હજુ મોટો પડકાર
વિશ્વ બેન્કના ડેટા દર્શાવે છે કે શિક્ષણ અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. ઔપચારિક શિક્ષણ ન મેળવનારા વયસ્કોમાં ગરીબીનું પ્રમાણ 21.3 ટકા હતું, જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓમાં તે માત્ર 7.4 ટકા હતું. આ ઉપરાંત બાળકો (0થી 14 વર્ષ)માં ગરીબીનો દર 21.8 ટકા રહ્યો છે.

બીજી તરફ, આવકની અસમાનતા એક ગંભીર પડકાર છે. 2023માં સૌથી વધુ કમાણી કરતા ટોચના 10 ટકા શ્રમિકોની સરેરાશ આવક સૌથી નીચેના 10 ટકા શ્રમિકો કરતાં 13 ગણી વધારે હતી. દેશમાં 2028 સુધીમાં ગરીબી દર ઘટીને 12.1 ટકા થવાનો અંદાજ છે, પરંતુ લોકોની વાસ્તવિક આવક (Real Earnings) વધારવી આગામી સમયનો મુખ્ય લક્ષ્યાંક રહેશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤